રાપરમાં મનોરોગીઓની સંસ્થામાં રપ પોઝિટીવ કેસ, એક મોતથી ખળભળાટ

ગ્રામ સેવા સંગઠન નામની સંસ્થા કોરોનાના ભરડામાંઃ સ્થાનીક આરોગ્ય વિભાગ દાદ ન આપતું હોવાની રાવ : તંત્ર વહારે આવે તેવી સંસ્થાની અપીલ

ગાંધીધામ : રાપરમાં ગ્રામ સેવા સંગઠન નામની સંસ્થા ઘણા વર્ષોથી કાર્યરત છે, જયાં મંદબુદ્ધિ, મનોરોગી વ્યક્તિઓની સેવા ચાકરી કરવામાં આવે છે. જો કે, આ સંસ્થા પણ કોરોનાના ભરડામાં આવી ગઈ છે. આ સંસ્થામાં આશ્રય લઈ રહેલા પૈકી રપ જેટલા વ્યક્તિઓને કોરોના પોઝીટીવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પોઝિટીવ દર્દીઓ પૈકી એકનું મોત નિપજતા છુપો ફફડાટ વ્યાપી ગયો છે.સંસ્થાના સ્થાપક મંત્રી શૈલેષ કોઠારીએ જણાવ્યું કે, હાલ કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે અમારી સંસ્થા ગ્રામ સેવા સંગઠન રાપરમાં પણ કોરોનાના કેસો સામે આવ્યા છે. ૪૯ આરટીપીસીઆર ટેસ્ટ પૈકી ૧૯ વ્યક્તિને કોરોના પોઝિટીવ રીપોર્ટ આવ્યા હતા, જ્યારે ર૦ આરટીજીએસ રીપોર્ટ પૈકી ૬ વ્યક્તિઓ કોરોના સંક્રમીત હોવાનું સામે આવ્યું હતું. પોઝિટીવ દર્દીઓ પૈકી એકને પાટણ, જ્યારે અન્ય ત્રણને રાપરમાં આઈટીઆઈ ખાતે કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાયેલ છે. કમનશીબે ઉમેદભાઈ ઠક્કર નામના એક વ્યક્તિ કોરોના સામે જંગ હારી ગયા છે. હાલમાં ર૧ જેટલા કેસ એક્ટિવ છે. પોઝિટીવ વ્યક્તિઓ સંસ્થામાં જ દાખલ છે. જો કે, આરોગ્ય વિભાગ દ્વારા કોઈ તબીબી ચકાસણી કરવામાં આવી નથી. ડોકટર પણ વિઝીટે આવતા નથી. સરકાર તરફથી અમારી સંસ્થામાં તબીબો મોકલી પોઝિટીવ દર્દીઓને સારવાર આપે તેવી માંગણી કરી હતી.અત્રે નોંધનીય છે કે, રાપર તાલુકામાં આરોગ્ય વિભાગના મોટા ભાગના તબીબો તેમજ સ્ટાફ કોરોના સંક્રમીત થતા જુદી જુદી હોસ્પિટલમાં સારવાર તળે દાખલ છે. ઓછો સ્ટાફ હોવાથી તમામ જગ્યાએ પહોંચી ન શકાતું હોવાનું પણ સ્થાનીકેથી જાણવા મળ્યું છે. અલબત તંત્ર દ્વારા અન્ય તાલુકામાંથી તબીબો રાપરમાં ફાળવી કોવિડ દર્દીઓને સારવાર મળે એ દિશામાં પગલા ભરવા આવશ્યક બની ગયા છે.