રાપરમાં પા. પુ. મંત્રીના લોકદરબારમાં પાણીપ્રશ્ને હલ્લાબોલ

  • રાપરમાં ઘર આંગણે પુષ્કળ જળનો જથ્થો છતાં શહેર-ગામડા પાણી વિહોણા

રાપરના ૩૯ ગામોમાંથી કેનાલ પસાર થવા છતાં આ ગામોમાં મહિને મળે છે પાણી : રાપર શહેરમાં પણ દર ત્રીજા દિવસે પાણીનું થતું વિતરણ

જનપ્રતિનિધિઓએ જ કુંવરજીભાઈ બાવળીયા ખુદ ભાજપના લોકદરબારમાં ઉઠાવ્યો પ્રશ્ન : મંત્રીએ ઉધડો લેતા પાણી પુરવઠાના મુખ્ય ઈજનેરથી લઈ તાલુકાના ઈજનેર પરસેવેથી પાણી પાણી

જીડબલ્યુંઆઈએલના કચ્છના જનરલ મેનેજર શ્રી વામજાને બદલો : પાણી પુરવઠા પ્રધાન વામજા સામે કરે લાલઆંખ તો કચ્છમાં નર્મદાજળ મુદ્દે થાય મોટી રાહત સાથો સાથ કચ્છ હીતનું નર્મદા જળ કંપનીઓને પધરાવી, ખોટા બીલો બનાવીને કરોડોના આચરાતા ભ્રષ્ટાચારનો પણ થાય ખુલાસો

(બ્યુરો દ્વારા) ગાંધીધામ : આજરોજ રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળિયા વાગડની મુલાકાતે છે, તેઓએ પાણી પુરવઠાના કામોનું નિરીક્ષણ કર્યા બાદ રાપર શહેરમાં લોક દરબાર યોજ્યો હતો. જો કે જે તાલુકામાંથી કચ્છમાં જીવાદોરી સમાન નર્મદાના નીર ખળખળ વહે છે તે તાલુકામાં જ પાણીની સમસ્યાઓ હલ્લાબોલ થતાં ખુદ મંત્રી પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. નવાઈ વચ્ચે પ્રશ્નોનો મારો થતાં ચોમાસાના માહોલમાં પાણી પુરવઠાના મુખ્ય ઈજનેરથી લઈ તાલુકાના ઈજનેર પરસેવે પાણી પાણી થઈ પડ્યા હતા.આ અંગેની વિગતો મુજબ રાપરમાં માનવ ધર્મ પ્રસાર આશ્રમ ખાતે આજે પાણી પુરવઠા મંત્રી કુંંવરજી બાવળિયાની હાજરીમાં રાપર – ભચાઉ તાલુકા માટે પાણીનો લોકદરબાર યોજવામાં આવ્યો હતો. રાપર – ભચાઉમાંથી નર્મદાના પાણી વહે છે. જેથી સૌ કોઈ એમ માને છે કે, વાગડમાં પાણીની તકલીફ નથી. મંત્રીએ પણ તેવુ માની રાપરમાં લોકદરબાર યોજ્યો, પરંતુ ભાજપની સરકારના રાજમાં ખુદ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જ જનતા વતી પાણીના પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. પોતાના વિભાગમાં થતી લાલિયાવાડી ભાજપના નેતાઓના મુખેથી સાંભળી મંત્રી આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. જેઓએ તરત જ પાણી પુરવઠાના જવાબદારોને લોકોના પ્રશ્નો હલ કરવા સૂચના આપી હતી. જો કે જયારે લોકોએ સવાલો ઉપાડ્યા અને મંત્રીએ અધિકારીઓને જવાબ દેવા આદેશ કર્યો ત્યારે અધિકારીઓ પોતાની ભૂલ હોવાથી જવાબ પણ ન આપી શકયા હતા. જેથી કહી શકાય કે, ભાજપ સરકારના રાજમાં છતે પાણીએ વાગડ તરસ્યું છે.લોક દરબારમાં મુખ્ય પ્રશ્નની જો વાત કરીએ તો રાપર તાલુકામાં કુલ ૯૭ ગામો અને રર૭ વાંઢો આવેલી છે, જો કે આ વિસ્તારમાં પાણીની વ્યવસ્થા માત્ર ૧૦ ટકા છે. મોટાભાગના ગામોમાં પાણી વિતરણમાં ધાંધિયા જોવા મળે છે. તો રાપર તાલુકાના ૩૯ ગામોમાંથી નર્મદાની કેનાલ પસાર થાય છે, પરંતુ આ જ ગામોમાં મહિને પીવાનું પાણી આપવામાં આવે છે. ભુજ કે ગાંધીધામ જેવા વિસ્તારો કે જે નર્મદા પર આધારીત છે, ત્યાં બે ત્રણ દિવસે પાણી મળે છે, પરંતુ રાપર કે જયાંથી નર્મદાની કેનાલ પસાર થાય છે, તે વિસ્તારમાં જ ગામડાઓમાં મહિને પાણી મળે તે કેટલી હદે યોગ્ય ગણી શકાય. આ મુદ્દો ભારે ચર્ચામાં રહ્યો હતો. તો રાપર શહેરમાં પણ ત્રણ દિવસે પાણી વિતરણ થતું હોવાની રજૂઆત ખુદ નગરપાલિકાએ કરી હતી. તો અનેક ગ્રામ પંચાયતોના સરપંચો, જિલ્લા – તાલુકા પંચાયતના સદ્દસ્યો તેમજ નગરસેવકોએ એક સૂરે પાણીના પ્રશ્નની રજૂઆત કરી હતી. જેથી પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ તમામની રજૂઆત સાંભળી સ્થળ પર હાજર પાણીના પુરવઠાના અધિકારીઓને ફરિયાદોનો નિકાલ લાવવા આદેશ આપ્યો હતો.પ્રાંથળ વિસ્તારમાં પાણીની રજૂઆત તાલુકા પંચાયતના સદ્દસ્ય બકુલભાઈ ઠાકોર, ભાજપ મહામંત્રી રામજી ચાવડા, રાજુભા જાડેજાએ કરી હતી. તો ચિત્રોડથી પલાંસવા, આડેસર, ભીમાસર, પ્રાગપર સુધી પાઈપ લાઈન દ્વારા પાણી આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. સુવઈ અને ફતેહગઢ ડેમના પાણીનો પીવાના પાણીની વ્યવસ્થામાં ઉપયોગમાં લેવા ભાર મુકાયો હતો. આમ કુલ લોક દરબારમાં પપ પ્રશ્નોનીની ચર્ચા થઈ હતી. સંચાલન રામજી ચાવડાએ જયારે આભારવિધિ નિલેશ માલીએ કરી હતી.
આ લોક દરબારમાં રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, અરજણભાઈ રબારી, કારાભાઈ ભરવાડ, તા.પં. પ્રમુખ હમીરજી સોઢા, ઉપપ્રમુખ કાનજીભાઈ ગોહિલ, તા.ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, રાપર ન.પા. પ્રમુખ અમૃતબેન વાલજી વાવિયા, રાપર ન.પા. ઉપપ્રમુખ ભીખુભા સોઢા, કા. ચેરમેન રામજીભાઈ, શાસક પક્ષના નેતા નિલેશ માલી, જિ.પં. સભ્ય ભગાભાઈ આહિર, જિ.પં. સભ્ય રાજુભા જાડેજા, શહેર પ્રમુખ ઉમેશ સોની, રાપર તા. ભાજપ ઉપપ્રમુખ કમલસિંહ સોઢા, રાપર તા. ભાજપ મહામંત્રી રામજી ચાવડા, તા. પંચાયત સભ્ય મોહન બારડ, હઠુભા સોઢા, ડોલરરાય ગોર, ખેંગારભાઈ આહિર (રામવાવ), પ્રદીપસિંહ સોઢા, કરશન મંજેરી, રામજીભાઈ, પ્રફુલ ઠાકોર, નાનજીભાઈ ઠાકોર, ટી.જે. ઠાકોર, લાલજી કારોત્રા, મેહુલ જોષી, અકબર રાઉમા, મોરારદાન ગઢવી, કાનજી આહિર, બળવંત ગામોટ, દિલીપભાઈ જાદવા, દિનેશ વાવિયા, મૂળજીભાઈ પરમાર, વાલજી પટેલ, ગિરિરાજસિંહ વાઘેલા, ભીખાભાઈ ગોહિલ, નવઘણ કાટ, દિનેશ સોલંકી, માયાભાઈ ઘેડા, મેમાભાઈ ચૌહાણ, તુલસીભાઈ ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી આર.કે. રાઠવા, મામલતદાર એસ.જી. પ્રજાપતિ, આંકડા અધિકારી ડી.જે. ચાવડા સહિત ઉપસ્થિત રહ્યા હતા.

રાપરમાં પાણીને અવરોધતા તત્ત્વોને બક્ષવામાં નહીં આવે : કુંવરજીભાઈ બાવળિયા

પાણી ચોરી કરતા શખ્સો સામે વોટર સપ્લાય એક્ટ હેઠળ ગુનો નોંધાશે

રાપર : આજરોજ લોકદરબારમાં પાણીની અનિયમિતતા અને પાણી ચોરીનો મુદ્દો ગાજ્યા બાદ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ નિવેદન આપતા કહ્યું કે, રાપર વિસ્તારમાં પાણીને અવરોધતા તત્ત્વોને બક્ષવામાં નહીં આવે, નાનામાં નાના ગામડા અને વાંઢ સુધી પાણી પહોંચાડવું અમારી પ્રાથમિકતા છે. પાણીના પ્રશ્નોની કોઈ પણ નાનો વ્યક્તિ રજૂઆત કરી શકે છે. સૌની ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવશે. પાણીની ગંભીર સમસ્યા અંગે ફરિયાદો ઉઠતાં પાણી પુરવઠાના મુખ્ય ઈજનેર અશોક વનરાને કડક સૂચના આપવામાં આવી છે. રાપર સહિત જિલ્લામાં પાણી પુરવઠાને લગતા તમામ પ્રશ્નોનો યુદ્ધના ધોરણે નિકાલ લાવવા આદેશ અપાયો છે. તેમજ હોટલોમાં ગેરકાયદે રીતે પાણી આપવામાં આવી રહ્યું છે, ત્યારે પાણી ચોરી પર અંકુશ લગાવવા કાયદેસરની કાર્યવાહી માટે તુટી પડવા વિભાગને આદેશ અપાયો હતો. ગાગોદરની હાઈવે હોટલોમાં ગેરકાયદે પાણીના જે કનેકશનો અપાયા છે, તે કાપી નાખવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ પાણીની વ્યવસ્થા ખોરવતા તત્ત્વોને ડામવામાં આવે તેવી ટકોર પણ કરાઈ હતી. વાગડ અને કચ્છમાં પાણીની ચોરી કરતા શખ્સો સામે વોટર સપ્લાય એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે તેવી ચેતવણી મંત્રી દ્વારા અપાઈ હતી.

મંત્રીએ કંથકોટ અને રાપર- સુવઈ – ત્રંબૌમાં પાણીના કામોનું નિરીક્ષણ કર્યું
રાપર : મંત્રી કુંવરજી બાવળિયાએ આજે સવારે વાગડ વિસ્તારમાં પાણી પુરવઠાના કામોનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં ભચાઉ તાલુકાના કંથકોટ ગામે પાણી પુરવઠા દ્વારા બનાવાતા પાણીના ટાંકાનં નિરીક્ષણ કરાયું હતું. જયારે રાપર – સુવઈ – ત્રંબૌ સુધીના માર્ગ પર પાણીની લાઈન પાથરવામાં આવી રહી છે તે કામનું પણ નિરીક્ષણ કરાયું હતું. બપોર બાદ મંત્રી દ્વારા સુવઈ ડેમ આધારીત રાપર જૂથ પાણી પુરવઠા યોજનાના ફિલ્ટર પ્લાન્ટ, ક્લિયર વોટર સંપ, ડીઆઈ અને પીવીસી પાઈપલાઈન પાથરવાના કામની વિઝીટ લેવામાં આવી હતી. તો બપોરે ફતેહગઢ ડેમ પાસે ૧૧૦ લાખ લિટર ક્ષમતા જળ શુદ્ધિકરણ પ્લાન્ટની મંત્રી દ્વારા મુલાકાત લેવામાં આવનાર છે.

રાપર તાલુકામાં હાઈવે હોટલોમાં પાણી ચોરીનો મુદ્દો છવાયો
રાપર : આજના લોક દરબારમાં નેતાઓએ પાણીના પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેમાં એક મુદ્દો પાણીની ચોરીનો પણ હતો. લોક દરબારમાંં પ્રશ્ન ઉઠ્યો કે, રાપર તાલુકામાં અનિયમિત પાણી વિતરણ માટે પાણીની ચોરી જવાબદાર છે. કારણ કે, હાઈવે હોટલોમાં પાણી પુરવઠાની લાઈનોમાંથી પાણી ચોરી કરાઈ રહી છે, પરંતુ કોઈ કામગીરી થતી નથી. અગાઉના લોક દરબારમાં પણ આ પ્રશ્ન ઉઠ્યો હતો. તેમજ જલ સે નલ યોજના હેઠળ થતા કામો નબળા હોવાનો આક્ષેપ કરાયો હતો.

જલ સે નલ યોજનાનું ૬ મહિના પૂર્વે ખાતમુહૂર્ત, પણ કામ શરૂ ન થયું
રાપર : અહીંના તાલુકા પંચાયતના પ્રમુખ હમીરજી સોઢા, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ સામતાભાઈ દૈયા, તાલુકા પંચાયતના સદ્દસ્ય રાણીબેન ચૌહાણ, કિડિયાનગર ગ્રામ પંચાયત તેમજ આગેવાનો, રામજી સોલંકી, રમેશભાઈ દાદલ, કરશનભાઈ પટેલ સહિતના આગેવાનોએ એક સૂરે પાણી પુરવઠા મંત્રીને લોક દરબારમાં લેખિત રજૂઆત કરતાં કહ્યું કે, છ મહિના પૂર્વે મંત્રી વાસણભાઈ આહિર દ્વારા કીડિયાનગર ગામે જલ સે નલ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં ૪૦ વાંઢો અને ૪૩ પરા આવરી લેવાયા છે, પરંતુ ખાતમુહૂર્ત થયાના આજદિન સુધી આ પાણીની લાઈનનું કામ ચાલુ થયું નથી, જેથી પાણીની પાઈપલાઈનનું કામ સત્વરે શરૂ થાય તે માટે માંગણી કરાઈ હતી.

રાપરમાં પાણી પુરવઠાના ૪૬ કામો હાથ પર લેવા ધારાસભ્યની ભલામણ
રાપર : અહીંના ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠિયા દ્વારા પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાને પોતાના મત વિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. જેમાં રાપર તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા નિવારવા, નવી લાઈન તેમજ ટાંકા બનાવવા ભલામણ કરાઈ હતી. જેમાં જાટાવાડા, બેલા, ફતેહગઢ, સોનલવા, બાંમણસર, બાદલપર પીછાણા, માંજુવાસ, ધાણીથર, કલ્યાણપર, ગેડી, સુખપર, ભીમદેવકા, ખાંડેક, ગાગોદર, કીડિયાનગર, સઈ, શિરાવાંઢ, ખેંગારપર, નાની રવ, પાબુવાંઢ, રામવવા, ભીમાસર, પલાંસવા, જોધરાઈવાંઢ, લોદ્રાણી, ગવરીપર સહિતના ગામોમાં ૪૬ જેટલા પાણી પુરવઠાના કામો અંગે લેખિત ભલામણ કરાઈ હતી.

પલાંસવામાં પશુ દવાખાનાનું સંચાલન પટાવાળો સંભાળે છે : સંતોકબેન આરેઠિયા
રાપર : પાણી પુરવઠા વિભાગ સાથે પશુપાલન વિભાગનો હવાલો સંભાળતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સમક્ષ અહીંના ધારાસભ્યએ જે રજૂઆત કરી છે, તે સરકારી તંત્ર કેટલી હદે ખાડે ગયું છે તેની પ્રતિતી કરાવે છે. રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને લેખિત રજૂઆતમાં કહ્યું છે કે, રાપર અને ભચાઉના પશુ દવાખાનાઓમાં ડોકટર સહિત સ્ટાફની ભારે અછત છે. વાગડ વિસ્તાર પશુપાલન સાથે સંકળાયેલો હોવાથી માંદગીના સમયે માલધારીઓને ઘણી તકલીફો પડે છે. રાપર તાલુકાના પલાંસવા ગામે જયારથી પશુ દવાખાનું બન્યું છે, ત્યારથી અત્યાર સુધી પશુ ડોકટરની કોઈ નિમણુંક થઈ નથી. પટાવાળા ભાઈ દ્વારા આ દવાખાનું ચલાવાય છે. જે પણ કાયમી ખુલ્લું હોતું નથી, જેથી પશુ દવાખાનાઓમાં સ્ટાફની પૂર્તતા કરવા માંગ કરાઈ છે.