રાપરની દેનાબેંકના પટ્ટાવાળાએ તરૂણને લાફો ઝીંકી દેતા ફોજદારી

સતત બીજા દિવસે બેંકમાં આવેલા તરૂણને જાતિ અપમાનિત કરાતા એટ્રોસિટી તળે નોંધાયો ગુનો

રાપર : શહેરમાં આવેલી દેનાબેંકમાં પટાવાળાએ સોળ વર્ષિય તરૂણને જાહેરમાં ભૂંડી ગાળો આપી જાતિ અપમાનીત કરી લાફો ઝીંકી દીધો હતો. બનાવને પગલે ભોગગ્રસ્ત તરૂણે રાપર પોલીસમાં એટ્રોસિટી સહિતની કલમો તળે ગુનો નોંધાવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી ઈશ્વર આંબાભાઈ રાઠોડે દેનાબેંકના પટાવાળા જે દરબારના નામે ઓળખાય છે, તેના વિરૂદ્ધ એટ્રોસિટી સહિતની કલમો તળે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીનું ખાતું દેનાબેંકમાં હતું. જે બંધ થઈ જતા ચાલુ કરાવવા માટે તે લાઈનમાં ઉભો હતો, તે દરમ્યાન પટાવાળાએ આવીને કહ્યું હતું કે, તું ગઈકાલે પણ બેંકમાં આવ્યો હતો. આજે ફરી પાછો કેમ આવ્યો છો ? ત્યારે ફરિયાદીએ કહ્યું હતું કે, ગઈકાલે મારૂં કામ થયું ન હતું તેથી આજે આવ્યો છું. આ બાબતે ઉશ્કેરાયેલા આરોપીએ તરૂણને ભૂંડી ગાળો આપી જાહેરમાં જાતિ અપમાનિત કરીને ગાલ પર લાફો ઝીંકી દીધો હતો. બનાવને પગલે તરૂણે રાપર પોલીસ મથકે એટ્રોસિટી સહિતની કલમો તળે ગુનો નોંધાતા એસસી એસટી સેલના ના.પો. અધિક્ષક કે. જી. ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે.