રાપરના સેવાભાવી શિક્ષક વિરૂધ્ધ દ્વેષભાવથી પ્રેરાઈને ખોટી ફરિયાદ કરાઈ

રાપર : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પૂર્ણકાલીન કાર્યકર્તા, શિક્ષક અને રાપરમાં રહીને છેલ્લા બે દાયકાથી સેવા કરતા રાષ્ટ્રવાદી આગેવાન વિરૂધ્ધ કરાયેલી ફરિયાદ રાગદ્વેષની ભાવનાથી કરાઈ હોવાનો આક્ષેપ ઉઠ્યો છે અને વિવિધ સંગઠનો દ્વારા આ ફરિયાદ રદ્‌ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. રાપર શહેરમાં સેવાની જ્યોત જલાવનાર અશોકભાઈ મંગલભાઈ પ્રજાપતિ મુળ જામનગરના સિક્કાના વતની છે. છેલ્લા ૧૯ વર્ષથી કચ્છમાં રહીને તેમણે સંઘના માધ્યમથી રાષ્ટ્ર સેવા કરી છે. રાપર તાલુકામા શિક્ષણનું સ્તર નહિવત હોવાથી તેમણે બાળકોને નિઃશુલ્ક અભ્યાસ મળી રહે તેવી પરિકલ્પના સાથે દાતાઓના સહયોગથી ર એકર જમીન ખરીદી અને છાત્રાલય બનીને પુર્ણ થવાના આરે છે. તેવામાં અશોકભાઈ પ્રજાપતિ પર કરાયેલી ફરિયાદ તદ્‌ન ખોટી હોવાનું જણાવાયું છે. આ અંગે વિશ્વ હિન્દુ, પરિષદ, બજરંગદળ, ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓ અને અગ્રણીઓની બેઠક મળી હતી. જેમાં અશોકભાઈ વિરૂધ્ધ કરાયેલી ફરિયાદ રદ્‌ કરવાની માંગ કરાઈ છે.