રાપરના ફતેહગઢમાં બપોર બાદ સ્વયંભૂ સંચારબંધી

વેપારીઓ અને ગ્રામજનોની મળેલી બેઠકમાં 10 દિવસ સુધી આંશિક લોકડાઉનનો નિર્ણય

રાપર : કચ્છમાં કોરોનાના વધતા જતા કહેર વચ્ચે રાપર તાલુકાના ફતેહગઢમાં સ્વયંભૂ આંશિક લોકડાઉન જાહેર કરાયું છે. ફતેહગઢમાં બપોરે 12 વાગ્યા બાદ સમગ્ર ગામની બજારો સ્વયંભૂ બંધ કરી દેવામાં આવે છે. ગુરૂવારથી ગામમાં 10 દિવસ સુધીનું આંશિક લોકડાઉન જાહેર કરાયું છે.

આ અંગેની વિગતો મુજબ સમગ્ર ફતેહગઢ વિસ્તારમાં 20 જેટલા કોરોના પોઝિટિવ કેસો એક્ટિવ હોવાને કારણે સતર્કતાના ભાગરૂપે ગ્રામજનો દ્વારા સ્વયંભૂ રીતે આ નિર્ણય કરાયો છે. ગામમાં મળેલી ગ્રામસભામાં વેપારીઓ અને ગ્રામજનોની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. જેમાં 8 તારીખથી આગામી 10 દિવસ સુધી ગામમાં બપોર બાદ લોકડાઉન જાહેર કરાયો છે. ગામમાં બપોરના 12 વાગ્યા બાદ સંપુર્ણ અને સ્વયંભૂ સંચારબંધી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, કોરોનાની બીજી લહેરમાં પ્રથમ સમાઘોઘા ગામમાં છેલ્લા ત્રણ દિવસથી આ રીતે લોકડાઉન જાહેર કરાયું છે. સમાઘોઘા બાદ ફતેહગઢ લોકડાઉનનો અમલ કરનાર બીજું ગામ બન્યું છે.