રાપરના પલાસવાની સીમમાં અવાવરૂ કુવામાં ખાબકી નીલગાય

આડેસર : રાપર તાલુકાના પલાસવા ગામની સીમમાં આવેલા અવાવરૂં કુવામાં નીલગાય પડી ગઈ હતી, જેની જાણ ગામ લોકોને થતાં તેમણે વન વિભાગને જાણ કરીને કુવામાં પડેલી નીલગાયને હેમખેમ બહાર કાઢીને બચાવી હતી.રાપર તાલુકામાં હાલ નર્મદાની કેનાલમાં પાણી નથી તેમજ વરસાદ પણ ખેંચાયો છે, ત્યારે વાગડ વિસ્તારમાં લોકોની સાથે જંગલ જનાવરો પણ પાણી વિના બેહાલ બન્યા છે. તેવામાં રાપરના પલાસવા ગામની સીમમાં આવેલા અવાવરૂં કુવામાં એક નીલગાય ખાબકી પડી હતી. લોકોના જણાવ્યા પ્રમાણે પાણીની શોધમાં આમ- તેમ ભટકતાં આ નીલગાય અવાવરૂં કુવામાં પડી ગઈ હશે. ગામ લોકોને નીલગાય કુવામાં પડી જવાની જાણ થતાં તાત્કાલિક વન વિભાગની ટીમને જાણ કરાઈ હતી, ત્યારે વનતંત્રનો સ્ટાફ ઘટના સ્થળે ધસી આવતાં ગ્રામજનોની મદદથી નીલગાયના બચાવ માટે રેસ્કયું ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં જેસીબીની મદદથી ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડીને નીલગાયને બચાવી લેવાઈ હતી. આ કામગીરીમાં વરણુના વન સંરક્ષક ડી.આર. પટેલ, વનપાલ આર.એચ. ગઢવી તેમજ સ્ટાફના કરશન પારેધી, ગુલાબસિંહ જાડેજા સહિત ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.