રાપરના પલાંસવા નજીક ગમખ્વાર અકસ્માત : બેના મોત : ૧૦ ઘવાયા

માતેલા સાંઢના માફક દોડતા ટ્રેઈલરે જીપના ઠાઠામાં ધડાકાભેર ભટકાવતા સર્જાઈ કરૂણાંતિકા : મહિલાનું ઘટના સ્થળે મોત : ઘવાયેલાઓને રાધનપુર લઈ જતા અન્ય મહિલાએ રસ્તામાં દમ તોડી દીધો : પલાંસવાની બે મહિલાઓના મહાશિવરાત્રીના દિવસે મોત થતા ભરવાડ સમાજ સહિત ગ્રામજનોમાં શોકનું મોજુ

 

ગાંધીધામ : પૂર્વ કચ્છના રાપર તાલુકાના પલાંસવા ગાગોદર વચ્ચે ટ્રેઈલર અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલાઓના મોત થયા હતા જ્યારે જીપ ચાલક સહિત ૧૦ વ્યકિતઓ ઘવાયા હતા. બે-બે મહિલાઓના મોતના બનાવથી પલાંસવા ગામમાં અરેરાટી સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગોજારા માર્ગ અકસ્માતનો બનાવ આજે સવારે પોણા આઠ વાગ્યે બનવા પામ્યો હતો. પલાંસવા ગામે રહેતા નિલેશ રાણા ઓડેસરા પોતાના કબજાની પીકઅપ ડાલો નંબર જીજે. ૯. વાય. પ૯૧૦ જીપમાં મજુરોને લઈને કામ ઉપર મુકવા જતો હતો ત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. પલાંસવાથી બે કિલોમીટર ગાગોદર તરફના માર્ગે પેટ્રોલપંપ પાસે પહોચેલ ત્યારે પાછળથી માતેલા સાંઢની માફક ધસમસતા આવતા ટ્રેઈલરના ચાલકે જીપના ઠાઠામાં જોરદાર ટક્કર મારતા જીપનો બુકડો બોલી ગયો હતો. જેમાં સવાર રામીબેન મોમાયા ભરવાડ (ઉ.વ.રર) (રહે. પલાંસવા તા.રાપર)નું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે જીપના ચાલક નિલેશ રાણાભાઈ ઓડેદરા (ઉ.વ.૩ર) તથા બાટીબેન ગણેશભાઈ ભરવાડ (ઉ.વ.૪પ), લક્ષ્મીબેન દેવાભાઈ ભરવાડ (ઉ.વ.૩૬), મીનાબેન જસરામભાઈ ભરવાડ (ઉ.વ.રર), કાનાભાઈ પાંચાભાઈ ભરવાડ (ઉ.વ.૩પ), ભાવનાબેન હીન્દાભાઈ ભરવાડ (ઉ.વ.ર૩), જીતુબેન સાંગાભાઈ ભરવાડ (ઉ.વ.રર), મુળીબેન ટપુભાઈ ભરવાડ (ઉ.વ.૪૦), રામીબેન દેવજીભાઈ ભરવાડ (ઉ.વ.ર૧), ઉમેદભાઈ મોતીભાઈ વાળંદ (ઉ.વ.ર૬), જેઠીબેન જોધાભાઈ ભરવાડ (ઉ.વ.૪પ) (રહે. તમામ પલાંસવા તા.રાપર)ને ગંભીર પ્રકારની ઈજાઓ થતા તે તમામને તાકીદની સારવાર મળે તે માટે રાધનપુર લઈ જવાતા હતા ત્યારે રસ્તામાં જીતુબેન સાંધાભાઈ ભરવાડ (ઉ.વ.રર) (રહે. પલાંસવા)એ દમ તોડી દીધો હતો. ગોજારા અકસ્માત બાદ ટ્રેઈલર નંબર આરજે. ૦૬. જીબી. પ૭ર૭નો ચાલક ટ્રેઈલર મૂકી ભાગી છુટ્યો હતો. અકસ્માતના પગલે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો તથા આસપાસના ગ્રામજનો અને પેટ્રોલપંપના માણસો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલ મોકલી આપવામાં મદદરૂપ થયા હતા. જીવલેણ એક્સિડેન્ટની જાણ થતા આડેસર પીએસઆઈ બી.જે. પરમાર સ્ટાફ સાથે ઘટના સ્થળે ધસી ગયા હતા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે માટે અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરી દીધા હતા. જ્યારે બન્ને મૃતકોના મૃતદેહોના પીએમ કરાવી એક્સિડેન્ટ સર્જી નાસી છુટેલા ટ્રેઈલર ચાલક સામે ગુન્હો નોંધવા કાર્યવાહી હાથ ધરેલાનું પીએસઓ પોપટજીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લખેનીય છે કે આજે પવિત્ર મહાશિવરાત્રીના દિવસે હર્ષાઉલ્લાસ સાથે મંજુરી કામે જતા ભરવાડ પરિવારને અકસ્માત નડતા અને તેમાં બે મહિલાઓના મોત થતા પરિવારજનો તેમજ ગ્રામજનોમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.