રાપરના જાટાવાડામાંથી ઊંટવૈદ્યની કરાઈ ધરપકડ

એલોપેથીક દવા સહિતના સાધનો મળીને પોલીસે 64 હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે

રાપર : સરહદી કચ્છમાં ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરતા ઊંટવૈદ્યોનો રાફડો ફાટ્યો છે. થોડા સમય અગાઉ પોલીસ દ્વારા એકધારી કાર્યવાહી કરીને અનેક ઊંટ છાપ તબીબોને ઝડપી પડાયા હતા. પરંતુ છેલ્લા થોડા સમયથી પોલીસ અને આરોગ્ય તંત્ર દ્વારા કોઈ ખાસ પગલા લેવાયા નથી. તેવામાં એકાએક બાલાસર પોલીસે જાટાવાડામાં આરોગ્યની ટીમને સાથે રાખી દરોડો પાડી એક મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ રાપરના અંતરીયાળ જાટાવાડા ગામે પોલીસે બેલાના મેડિકલ ઓફિસરને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. જેમાં 42 વર્ષિય ઉપેન્દ્ર હેમુભાઈ પટેલની ધરપકડ કરાઈ હતી. આરોપી કોઈપણ પ્રકારની માન્ય તબીબી ડિગ્રી કે સર્ટિફીકેટ વિના મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો. આરોપીના ક્લિનીકમાંથી પોલીસે એલોપેથિક એન્ટીબાયોટિક સહિતની દવા અને સાધનો મળીને 64 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી વિરૂદ્ધ બાલાસર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.