રાપરના ગેડીમાં કોંગ્રેસની જાહેરસભા

ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપુતે સંતોકબેન આરેઠીયાને વિજયી બનાવવા કરી અપીલ

 

રાપર : રાપર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સંતોકબેન ભચુભાઈ આરેઠીયાને પ્રચાર ઝુંબેશ દરમ્યાન વ્યાપક પ્રમાણમાં જનસમર્થન મળી રહ્યું છે. રાપર બેઠક પર પંજાને વિજયી બનાવવા લોકોમાં અનેરો થનગનાટ વર્તાઈ રહ્યો છે ત્યારે ગેડી ગામે પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખે જાહેર સભા સંબોધી સંતોકબેન આરેઠીયાને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી.
રાપર તાલુકાના ગેડી ગામે જાહેર સભા સંબોધતા પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપુતે જણાવ્યું કે, ભાજપના શાસનથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે ત્યારે કોંગ્રેસને ફરી રાજ્યની શાસન ધુરા સોંપવા લોકોમાં સ્વયંભૂ લોકજુવાળ જાવા મળી રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ભચુભાઈ આરેઠીયાની નિસ્વાર્થ લોક સેવાથી વાગડની પ્રજા વાકેફ છે ત્યારે રાપર બેઠક પર સંતોકબેન ભચુભાઈ આરેઠીયાને ખુબજ મોટી લીડ સાથે વિજયી બનાવવા તેમણે લોકોને અપીલ કરી હતી. તો રાપર બેઠકના ઉમેદવાર સંતોકબેન ભચુભાઈ આરેઠીયાએ લોકો તરફથી મળી રહેલા જનસમર્થન બદલ સર્વેનો આભાર માની લોક પ્રશ્નોને પ્રાધાન્ય આપવાની ખાત્રી ઉચ્ચારી હતી. તેમજ ૯મીએ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી હતી.
આ વેળાએ સહદેવસિંહ જાડેજા, નરેન્દ્ર દૈયા, ભચુભાઈ આરેઠીયા, કરમશી પટેલ, રમણલભાઈ અરજણભાઈ, દેવાભાઈ, ભારાભાઈ, સંકેત રાજપુત (સરપંચ), ભરત ઠાકોર, વિનોદ ઠાકોર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.