રાજ પરિવારની ગેરહાજરીમાં હનુવંતસિંહજીએ પોતાને મોભી જાહેર કર્યા એ દુઃખદ બાબત

મહારાવ પ્રાગમલજી ત્રીજાના અવસાન બાદ મહારાણી પ્રીતિદેવી જ રાજ પરિવારના મોભી

ભુજ : કચ્છ રાજના અંતિમ રાજવી પ્રાગમલજી ત્રીજાના અવસાનથી સમગ્ર જિલ્લામાં રાજ પરિવારમાં શોકનો માહોલ છે. આવા સમયે પરિવારની સહમતિ સાધ્યા વિના રાજ પરિવારના અન્ય સભ્યોની ગેરહાજરીમાં મહારાવના નાના ભાઈ હનુવંતસિંહજીએ પોતાને રાજ પરિવારના મોભી જાહેર કર્યા એ ઘણી દુઃખદ બાબત છે. મહારાવ પ્રાગમલજી ત્રીજાના અવસાન બાદ મહારાણી પ્રીતિદેવી જ રાજ પરિવારના મોભી ગણાય.
સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજા દ્વારા પોતાની હયાતિ દરમ્યાન કુટુંબના વડીલ તથા અધિકારની રૂએ કરેલ ફરમાન મુજબ કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજા (નલિયા), ઠાકોર કૃતાર્થસિંહ (દેવપર) તથા ઠાકોર મયુરધ્વજસિંહ (તેરા)ની નિમણૂંક વારસદાર તરીકે કરાઈ હતી. સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજા દ્વારા કરવામાં આવેલ સૂચનાની અમલવારી કરવાની રાજ પરિવારની પરંપરા રહી છે, જે જળવાઈ રહે તે જરૂરી છે. રાજ પરિવારના મોભી તરીકે નિમણૂંક તમામ પરિવારજનોની હાજરી અને ચોક્કસ પ્રકારની વિધિ ચોક્કસ સ્થળે કરવામાં આવે છે. રાજ પરિવારની પરંપરા જળવાય તે જાેવાની પરિવારજનોની જવાબદારીમાં અને ફરજમાં આવે છે. મહારાણી પ્રીતિદેવીએ કહ્યું કે, સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજાના અવસાન બાદ હું મોભી તરીકે છું. વધુમાં કહ્યું કે, સ્વ. મદનસિંહજીના પરિવારના તેમના જ્યેષ્ઠ પુત્ર તરીકે સ્વ. પ્રાગમલજી ત્રીજાનો પરિવાર, પુત્રી સ્વ. રાણી નરેન્દ્રકુંવરબાના પરિવારજનો, પુત્ર સ્વ. ભૂપતસિંહ મદનસિંહજીના પરિવારજનો, પુત્રી કુંવરાણી બ્રિજરાજકુંવરબા તથા પુત્ર હનુવંતસિંહજીનો સમાવેશ થાય છે. હાલમાં જે નિમણૂંકના સમાચાર પ્રસિદ્ધ થયા છે તેમાં સ્વ. મદનસિંહજીના પાંચમાંથી ચાર પરિવારજનો અજાણ છે તથા તેમની કોઈ સંમતિ લેવાઈ નથી. પરિવારજનોની અનુપસ્થિતિમાં પરિવારનો કોઈ એક વ્યક્તિ પોતાને મોભી તરીકે નિમણૂંકની પ્રક્રિયા કરી શકે નહીં કે પોતાને મોભી તરીકે જાહેર કરી શકે નહીં. જે થયેલ છે તે દુઃખદ છે, યોગ્ય નથી તથા પરિવારની એકતાને ઠેસ પહોંચાડવા સમાન છે. હનુવંતસિંહજી પ્રથમથી જ પરિવારથી વિમુખ રહ્યા છે ત્યારે તેમણે મોભીપણાના હક્કદાર ન થવું જાેઈએ. તમામ પરિવારજનોએ આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ ફોન પર વાત કરી દુઃખ વ્યક્ત કર્યું છે અને તમામની એકતા કાયમ રહે તે માટે એક હોવાનું જણાવ્યું છે.
સમગ્ર કચ્છ તથા રૈયત અને પરિવારજનો સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજાના અવસાન પછી આવી પડેલ દુઃખમાંથી બહાર આવ્યા નથી તેવા સમયે આ પ્રકારની ગતિવિધિ યોગ્ય નથી. રાજ પરિવારે આ ઘટનાને વખોડી છે તેમજ આ પ્રક્રિયાની સ્વીકૃતિ આપી નથી. ઈલેક્ટ્રોનિક માધ્યમથી કચ્છ રાજ્ય બાબતે પોતાને કચ્છ રાજ્ય સાથે વર્ષોથી સંકળાયેલા હોવાનું જણાવી જે ભાષાનો ઉપયોગ કરી ટિપ્પણી કરાઈ છે તેને નિંદનીય ગણાવાઈ છે. રાજ પરિવાર સાથે જાેડાયેલ વ્યક્તિ હોવાનુું જણાવી આ પ્રકારનું કથન કરે તે રાજ પરિવાર સાથે દ્રોહ સમાન છે. મહારાણી પ્રીતિદેવી તથા સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજાના નાના ભાઈ મ.કુ. ભૂપતસિંહજી તથા બહેનોના પરિવારજનો પ્રાગમલજી ત્રીજા દ્વારા કરાયેલા ફરમાન તથા કચ્છના પ્રજાજનોની સુખાકારી માટે કરેલ સંકલ્પને આગળ વધારવા અને સાર્થક કરવા કટિબદ્ધ છે. મા આશાપુરા પાસે પ્રાર્થના કરીએ કે આ પ્રકલ્પમાં અડચણરૂપ લોકોને મા આશાપુરા સદ્દબુદ્ધિ આપે.