રાજ્યવ્યાપી દરોડા બાદ ભુજમાં પણ પાણીપુરી પર તવાઈ બોલાવો

પાણીપુરીમાં હલકી ગુણવતાના માલ સામાનના ઉપયોગથી આરોગ્ય સાથે ચેડા

 

શા માટે પાણીપુરી પર તવાઈ ?
ભુજ : પાણીપુરીમાં સડેલા અને હલકી ગુણવતાના બટાકા, ચણાનો ઉપયોગ કરવામાં આવે છે અને દુષિત પાણી વપરાય છે. પાણીપુરી ખુલ્લામાં વેચાતી હોવાથી તે દુષિત પણ હોય છે જેને કારણે ટાઈફોઈડ, કમળો, મેલેરિયા, ફુડ પોઈઝનીંગ જેવી બીમારીઓનો શિકાર પણ થઈ શકે છે. ચોમાસાની સીઝનમાં રોગચાળો ફાટી ના નિકળે તે માટે રાજ્યવ્યાપી પાણીપુરીના દરોડા પાડવામાં આવી રહ્યા છે.

 

ભુજ : રાજ્યની સંસ્કારીનગરી વડોદરામાં રોગચાળો ફાટી નિકળતા પાણીપુરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યા અને તેને પગલે મહાનગરો અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, સુરત, જામનગરમાં ફુડ વિભાગ દ્વારા પાણીપુરીના સંચાલકો પર તવાઈ બોલાવીને અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. ત્યારે ભુજમાં પણ આરોગ્ય વિભાગ હરકતમાં આવીને પાણીપુરી પર તવાઈ બોલાવે તે જરૂરી છે. આમ, તો પાણીપુરી બાળકોથી માંડીને સૌકોઈની સ્વાદપ્રિય હોય છે.
ભુજની વાત કરીએ તો સ્વાદ રસિયાઓ હોંશેહોંશે પાણીપુરી આરોગતા નજરે ચડે છે, પરંતુ આ પાણીપુરી ખાવાલાયક છે કે કેમ તેની ચકાસણી પણ જરૂરી બને છે. જે સ્થળે પાણીપુરી બનતી હોય છે તે સ્થળે ગંદકી, મચ્છર અને માખીનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. ઉપરાંત પાણીપુરીના માવામાં હલકી ગુણવતાના બટેકા, ચણા અને મસાલાનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગે અવારનવાર જાગૃત નાગરિકો દ્વારા ફોટો-વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવતા હોય છે, પરંતુ અખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા અને રોગચાળો ફેલાવનારી પાણીપુરીવાળાઓ સામે ભુજમાં પણ દરોડા પાડવા જરૂરી બને છે. રાજ્યવ્યાપી દરોડા બાદ પણ ભુજ પાલિકા હરકતમાં નથી આવી. આ અંગે ભુજ નગરપાલિકાના મેપર લતાબેન સોલંકીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, પાલિકા દ્વારા સમયાંતરે પાણીપુરીની રેંકડીઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવે છે અને ચોમાસાની સિઝનને અનુલક્ષીને આ પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું.