રાજ્યમાં સૌથી મોટા ઇન્જેક્શનના કાળા કૌભાંડનો પર્દાફાશ, ૪ની ધરપકડ

(જી.એન.એસ)ગાંધીનગર,ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં લોકોને દવાઓ, ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ થઈ ગયા છે. ત્યારા આવા સમયનો લાભ લેવા માટેની ગેંગો પણ સક્રિય થઈ ગઈ છે. જે નકલી અને બ્લેકમાં ઇન્જેક્શન વેચી રહી છે. ત્યારે રેમડેસિવિર ઇન્જેક્શનના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા અને અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે પત્રકાર પરિષદ યોજી આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.રાજ્યના પોલીસ વડાએ કહ્યું કે, મોરબીમાં રેમડેસિવિરનો એક કેસ ઝડપવામાં આવ્યો છે. મોરબી પોલીસને માહિતી મળી હતી કે બે-ત્રણ લોકો તેમાં રાહુલ નામનો એક વ્યક્તિ અને તેના સાગરિતો છે, તે ડોક્ટરની ભલામણ વગર રેમડેસિવિર વેચી રહ્યાં છે,. તેમને ઝડપી લેવામાં આવ્યા છે. આ ઇન્જેક્શન અમદાવાદ પણ મોકલવામાં આવ્યા હતા. અહીં મોહમ્મદ આસિફને ૧૧૧૭ ઇન્જેક્શન અને ૧૭ લાખ રૂપિયા મળ્યા છે. તે સુરતના કૌશલ વોરા પાસેથી લાવ્યો હતો.સુરતના અડાજણમાં કૌશલ વોરા રહે છે, તેનો ભાગીદાર મુંબઈનો ગુણવંત શાહ છે. ઓલપાડ વિસ્તારમાં ફાર્મ હાઉસ છે ત્યાં આ નકલી દવાની ફેક્ટરી મળી આવી છે. ગ્લુકોઝના પાણીમાં મીઠું નાખીને રેમડેસિવિર બનાવતા હતા. રાજ્યમાં અત્યાર સુધી ૫ હજાર જેટલા ઇન્જેક્શન અત્યાર સુધી આપી ચુક્યા છે. શરૂઆતમાં એક ઇન્જેક્શનના ૨૫૦૦ અને ત્યારબાદ ૬૦ હજાર રૂપિયા પડાવતા હતા.તેઓ મુંબઈના એક પ્રિન્ટિંગ પ્રેસમાં તેના સ્ટીકર બનાવતા હતા. અમદાવાદ-સુરત સીટી ક્રાઇમ બ્રાન્ચની મદદથી તેને ઝડપી પાડવામાં આવ્યા છે. અત્યાર સુધી ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ૧૯ લાખ રૂપિયા અને ૧૨૧૧ ઇન્જેક્શન મળી આવ્યા છે.