રાજ્યમાં કમ્પલીશન સર્ટિફિકેટ આજથી ઓનલાઈન પણ ભુજમાં ઠેકાણા નથી !

ભુજ નગર સેવા સદનમાં સોફટવેર ઈન્સ્ટોલેશન સહિત તાલીમ પ્રક્રિયા થયા બાદ હજુ ર માસનો સમય લાગશે : પારદર્શક વહિવટ માટેની યોજનાના અમલ માટે ભુજમાં ‘હોતા હૈ ચલતા હૈ’ નો તાલ

ભુજ : રાજ્ય સરકાર દ્વારા તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં આજથી એટલે કે, ૧૬મી એપ્રિલથી કમ્પલીશન સર્ટીફિકેટ ઓનલાઈન આપવાનું આયોજન કરાયું છે. પરંતુ ભુજ નગરપાલિકામાં તેના હજુ કોઈ જ ઠેકાણા નથી. કર્મચારીઓને તાલીમ આપવાનું કામ બાકી છે, તેમજ ઓનલાઈન સિસ્ટમ અપડેટ કરવા સોફટવેરનું ઈન્સ્ટોલેશન પણ થઈ શકયું નથી.
રાજ્યભરમાં રિયલ એસ્ટેટના વિકાસને વધુ વેગ મળે અને પારદર્શક વહિવટ પ્રક્રિયા થાય તે આસયથી બાંધકામને લગતી તમામ વિધિ ઓનલાઈન કરવામાં આવી છે. અત્યાર સુધી બાંધકામના પ્લાન ઓનલાઈન ઈનવર્ડ કરાવી શકાતા હતા. હવેથી બિલ્ડીંગ યુસ પરમીશન એટલે કે કમ્પલીશન સર્ટીફિકેટ પણ ઓનલાઈન પ્રક્રિયા કરીને મેળવી શકાશે. આ કામગીરીનો આજે ૧૬મી એપ્રિલથી રાજ્યભરની મનપા અને નગરપાલિકાઓમાં પ્રારંભ થયો છે, પરંતુ ભુજ નગરપાલિકામાં હજુ સુધી ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવો તાલ છે. સુધરાઈના સુત્રોએ જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકામાં હજુ ઓનલાઈન સિસ્ટમ અપડેટ કરવાનું કામ બાકી છે, અને ત્યારબાદ કર્મચારીઓને પણ આ માટે તાલીમ આપવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર વતી એજન્સીના એક માણસને મુકાયા છે. પરંતુ હજુ ઘણી કામગીરી બાકી હોતા અંદાજે ર મહિના જેટલો સમય ઓનલાઈન થવામાં લાગી શકે છે. ઓનલાઈન પ્રક્રિયા કરવા પાછળનો હેતુ ભ્રષ્ટાચાર નાબુદ થાય અને પારદર્શક વહીવટ થઈ શકે. જોકે ઓનલાઈન પ્રક્રિયા થયા બાદ પણ સાઈટ વિઝિટ સહિતની કામગીરી તો જે-તે અધિકારીઓને જ કરવાની રહેશે તેથી ઓનલાઈન કમ્પલીશન સર્ટીફિકેટ મેળવવામાં પણ ઓફલાઈનમાં થતા વ્યવહારો બંધ નહી થઈ શકે તેવું જાણકારોમાં ચર્ચાઈ રહ્યું છે.