રાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની કોઇ આશા નથીઃ હવામાન વિભાગ

(જી.એન.એસ.)અમદાવાદ,ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. ખેડૂત માટે માઠા સમાચાર સામાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ૫ દિવસ ભારે વરસાદની આશા નથી. ગુજરાતમાં ૪૧ વરસાદની ઘટ છે. હજુ પણ સારા વરસાદની રાહ જોવી પડશે. ૧૫ ઓગસ્ટ સુધી તો સારા વરસાદની આશા નથી.બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. સારા વરસાદની આશાએ જિલ્લાના ખેડૂતોએ હોંશે હોંશે વાવેતર કર્યું હતું. પરંતુ અષાઢ મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં જિલ્લામાં માત્ર ૨૫ ટકા જ વરસાદ નોંધાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. જિલ્લામાં સૌથી ઓછો લાખણી અને થરાદ પંથકમાં માત્ર ૭થી ૧૦ ટકા જ વરસાદ વરસ્યો છે. ત્યારે અંહિયાના ખેડૂતોની માગ છે કે ફરી સિંચાઈ માટે પાણી છોડવામાં આવે.
વરસાદ ખેંચાતા ખેડૂતો પર ઘેરાયા છે સંકટના વાદળ. ત્યારે રાજ્ય સરકારે સિંચાઈના પાણીને મહત્વની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની જાહેરાત કરી છે. આ પાણી અપાશે કડાણા ડેમ અને નર્મદા કેનાલમાંથી છોડવામાં આવશે. ડાંગરના ધરુને બચાવવા સરકાર ૬ હજાર ક્યૂસેક પાણી છોડશે. જેમાંથી ૩ હજાર ક્યૂસેક પાણી કડાણા ડેમમાંથી છોડાશે. જ્યારે બાકીનું ૩ હજાર ક્યૂસેક પાણી નર્મદા કેનાલમાંથી અપાશે. આગામી બે દિવસમાં સિંચાઈ માટે અન્નદાતાને પાણી અપાશે.