રાજ્યમાં અગરિયાના બાળકો માટે સ્કૂલ ઓન વ્હીલ સેવાનો પ્રારંભ : કચ્છનો પણ સમાવેશ

મીઠું ઉત્પાદિત કરતા વિસ્તારના શ્રમિક પરિવારના બાળકોને મળશે લાભ

 

ભુજ : ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે નવતર પહેલ કરી છે. રાજ્યમાં અગરીયા વિસ્તારના શ્રમિકોના બાળકોને પ્રારંભીક શિક્ષણ ઘર આંગણે પુરુ પાડવાના હેતુથી આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. સ્કુલ ઓન વ્હીલ યોજના અંતર્ગત હરતી ફરતી મોબાઈલ શાળાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ, રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, શિક્ષણમંત્રી ઉપસ્થિતીના આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજનામાં કચ્છને પણ સમાવવા આશ્વાસન અપાયું છે.
રૂા. ૩.પ૦ લાખના ખર્ચે તૈયાર કરાયેલી આ બસ સોલાર સિસ્ટમ, ગ્રીન બોર્ડ, પીવીસી ફ્લોરિંગ, ટી.વી., ડીરએચ સેટટોપ બોક્ષ, પીવાના પાણીની સુવિધા, ૧૮ જેટલી રાઈટીંગ ડેસ્કની સુવિધાથી સજ્જ હશે. પાયલોટ પ્રોજેક્ટ રૂપે રાજ્યના કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર અને ભરૂચ જિલ્લાના અગરીયા વિસ્તાના શ્રમિક પરિવારના બાળકોને શારૂ શિક્ષણ મળી રહે તે હેતુથી આ યોજના શરૂ કરાઈ છે.
આ પ્રોજેક્ટની સફળતા બાદ વધુ ૩૦ જેટલી બસોને માર્ગ વાહન વ્યવહાર નિગમના સહયોગથી સ્કુલ ઓન વ્હીલ સેવા તરીકે કાર્યરત કરાશે. રાજ્યના ૧ર૦૦ જેટલા બાળકોને આ યોજનાનો તબક્કાવાર લાભ આપવામાં આવશે. આ યોજના પૈકી અગરીયા વિસ્તારના શ્રમિક બાળકોને ટેકનોલોજીના વિવિધ સાધનો વડે શારૂ અને સુચારું શિક્ષણ પ્રાપ્ત થશે અને શિક્ષણ વધવાથી દેશની આર્થીક પ્રગતીમાં મદદરૂપ બનશે.
આ અંગે કચ્છ જિલ્લામાં અગરિયાઓ તેમજ શ્રમીકોને શિક્ષણ આપવાની જવાબદારી સંભાળતા અધિકારી ગોવિંદભાઈ દેસાઈનો સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે, રાજ્ય કક્ષાએ સ્કૂલ ઓન વ્હીલ સેવાનો મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ દ્વારા પ્રારંભ કરાયો છે. ત્યારે કચ્છમાં પણ અગરિયાઓની સવિશેષ સંખ્યાને ધ્યાને લઈને કચ્છમાં બસોની ફાળવણી કરવામાં આવશે. પરંતુ હાલ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ આગામી દિવસોમાં કચ્છને સ્કૂલ ઓન વ્હીલ સેવાનો ચોક્કસ લાભ મળશે તેવું તેમણે અંતમાં ઉમેર્યું હતું.