રાજ્યમંત્રીશ્રી વાસણભાઈની સૂચનાથી અંજાર તાલુકામાં પાંચ આંગણવાડી કેન્દ્રોના મકાન માટે જિલ્લા કક્ષાની વિવેકાધીન જોગવાઇમાંથી રૂ.૩૫ લાખની ગ્રાન્ટની ફાળવણી કરાઇ

સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહીર દ્વારા અંજાર વિધાનસભા મતવિસ્તારના અંજાર તાલુકાના રતનાલ-૧, વીરા-૧, ટપ્પર–૫, મોટી ખેડોઈ–૧ અને કોટડા-૧ આંગણવાડી કેન્દ્રો માટે રતનાલ, વીરા, ટપ્પર, મોટી ખેડોઈ અને કોટડા ગામે આંગણવાડી કેન્દ્રોના મકાન માટે ગ્રાન્ટ ફાળવવા તાલુકા પંચાયતની ટીમ અને તાલુકા અગ્રણીઓ દ્વારા રાજ્યમંત્રીશ્રી વાસણભાઇને રજૂઆત કરવામાં આવી હતી. અંજાર તાલુકાના આંગણવાડી કેન્દ્રોના મકાનો માટે જિલ્લા આયોજન કે અન્ય કોઈ ગ્રાન્ટમાંથી રકમ ફાળવવા રાજ્યમંત્રીશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી.

અંજાર તાલુકાના રતનાલ-૧, વીરા-૧, ટપ્પર–૫, મોટી ખેડોઈ–૧ અને કોટડા-૧ આંગણવાડી કેન્દ્રો માટે જિલ્લા કક્ષાની ૧૫ ટકા વિવેકાધીન જોગવાઇમાંથી આંગણવાડી માટે આંગણવાડી દીઠ રૂપિયા સાત લાખ પ્રમાણે કુલ રૂપિયા પાંત્રીસ લાખની ફાળવણી કરવામાં આવેલ છે.

અંજાર તાલુકામાં આંગણવાડી કેન્દ્રો માટે ગ્રાન્ટની ફાળવણી કરાતાં અંજાર મતવિસ્તારના લોકોમાં આનંદની લાગણી છવાયેલ છે. આંગણવાડી બનવાથી નાના ભુલકાઓને આંગણવાડીમાં જરૂરી સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે. સરકારશ્રીના બાળ આરોગ્ય, કુપોષણ જેવા વિષયોની જાણકારી આ કેન્દ્રો ઉપરથી ઉપલબ્ધ બનશે. આ માટે અંજાર મતવિસ્તારના સ્થાનિક અગ્રણીઓએ આભારની લાગણી વ્યક્ત કરેલ છે.