રાજ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને કોવિડ-૧૯ સમીક્ષા બેઠક યોજાઇ : સંભવિત ત્રીજી લહેરની પૂર્વતૈયારી અંગે માહિતી મેળવી સમીક્ષા કરતા રાજ્યમંત્રીશ્રી

જિલ્લામાં રસીકરણને વધુ વેગ આપવા ટીડીઓ તેમજ ટીએચઓ સંકલનમા રહી ઝુંબેશ ચલાવે : રાજ્યમંત્રીશ્રી

આજરોજ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહીરના અધ્યક્ષસ્થાને કોવિડ-૧૯ સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લામાં કોરોના અંગે અને ખાસ કરીને તેની સંભવિત ત્રીજી લહેરની પૂર્વતૈયારી રૂપે કરવામાં આવેલી વ્યવસ્થા અને સુવિધા અન્વયે ભુજ કલેકટર કચેરી ખાતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને સમીક્ષા યોજાઇ હતી. આ તકે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે બીજી લહેર ની સરખામણીએ ત્રીજી લહેર માટે શું આયોજન કરવામાં આવ્યું છે, કેટલા બેડની વ્યવસ્થા કરી શકાય, કેટલા બેડ ઉમેરી શકાય વગેરે અંગે સમીક્ષા કરી હતી. આ તકે તેમણે વધુ બેડ ઉભા કરવા માટે તેમજ વેન્ટિલેટર ની કાર્યક્ષમતા અંગે શું શું કરી શકાય, ઓક્સિજન પ્લાન્ટ તેમજ લિક્વિડ ઓક્સિજનની વ્યવસ્થા અંગે તેમજ જનપ્રતિનિધિઓ દ્વારા કોરોના માટે આપવામાં આવેલી વિવિધ ગ્રાંટ નો શું ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેની કામગીરી ક્યાં પહોંચી તે અંગે પુચ્છા કરી યોગ્ય કામગીરી હાથ ધરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત રસીકરણને વધુ મહત્વ આપી રાપર, ભચાઉ અને અબડાસા વિસ્તાર પર વધુ ભાર આપી સમગ્ર કચ્છમાં રસીકરણને વેગ આપવા માટે તાલુકા આરોગ્ય અધિકારીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીઓ ખાસ કાળજી લઈને રસીકરણ ઝૂંબેશ ચલાવે તેવું સૂચન કર્યું હતું. આ તકે કોવિડ અંગેના સ્ટેટ નોડલ ઓફિસરશ્રી ડો. કમલેશ ઉપાધ્યાયએ કોવિડની  સંભવિત ત્રીજી લહેરને ધ્યાને રાખીને બેડ વધારવા અંગે, ઓક્સિજનની સુવિધા વગેરે મુદ્દાઓ અંગે સુચનો કર્યા હતા. આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડોક્ટર જનક માઢકે તમામ વિગતો રજુ કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., અધિક નિવાસી કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત સહિત તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, સિવીલ સર્જનશ્રી ડો.બુચ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ તેમજ અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.