રાજ્યની પ્રા. શાળાઓમાં વિદ્યાસહાયકોની  ૧૩૦૦ જગ્યાઓ ભરાશે

ભુજ : રાજ્યમાં જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની ગુજરાતી માધ્યમની ધો. ૧ થી પ ની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ૧૩૦૦ જગ્યાઓ ભરવા માટે જાહેરાત અપાઈ છે. આ બાબતે રાજ્ય પ્રા. શિક્ષણ સમિતિ અધ્યક્ષ અને પ્રા. શિક્ષણ નિયામક ડો. એમ.આઈ. જાષીના પત્રનો સંદૃભ ટાંકીને વિશેષ માહિતી આપતા રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર ભરતી માટેની મેરીટ યાદી તૈયાર કરવા શિક્ષણ વિભાગના ઠરાવ અન્વયે નિયત શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારે તા. ૪/૯ થી ૧૪/૯ દરમ્યાન કચેરીની વેબસાઈટ www. vidyasahayak gujarat.org ઉપર મુકવામાં આવેલ સુચના મુજબ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન ભરેલ અરજીપત્રકની પ્રિન્ટ કોપી સ્વીકાર કેન્દ્ર ઉપર આ સમય દરમ્યાન નિયત ફી ભરી રૂબરૂ જમા કરાવવા જણાવાયું છે. કુલ ભરવાપાત્ર ૧૩૦૦ જગ્યાઓ પૈકી સામાન્ય ૭૩૩, અનુ. જાતિ-૧૧૩, અનુ જન જાતિ-૬૦, સા. શૈ. પછાત વર્ગ-૩૯૪ તથા કુલ પૈકી શારીરીક અશકત માટે ૪૩ જગ્યાઓ પૈકી માજી સૈનીક માટે ૧૦ ટકા, એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહમાં ૪પ ટકા ગુણ સાથે પાસ થયેલ માટે ૧૦ ટકા, મહિલા ઉમેદવારો માટે ૩૩ ટકા જયારે શારીરીક અશકત ઉમેદવારો માટે જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. અરજદારની ઉમર ૧૮ વર્ષથી ઓછી નહી તથા ૩૩ વર્ષથી વધુ ન હોવી જાઈએ. અનામત કક્ષાના, મહિલા, શારીરીક અશકત તથા માજી સૈનિકો માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર વય મર્યાદામા છુટછાટ મળવાપાત્ર રહેશે. આ ભરતી રાજ્યના અમુક જિલ્લામાં જે તે નિયત કરેલ તાલુકાઓમાં જ ભરતી થનાર હોઈ વિદ્યાસહાયકોને જે તે તાલુકામાં ૧૦ વર્ષ સુધી ફરજ બજાવવાની રહેશે. પસંદગી પામેલ વિદ્યાસહાયકને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ ૧૯૯પ૦ ફિકસ પગાર મળવાપાત્ર થશે.