રાજીનામાના અવિરત દોરથી શિસ્તબદ્ધ ભાજપના ઉડતા ધજાગરા : વી.કે. હુંબલ

ભાજપના તાનાશાહી વલણના કારણે તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો રાજીનામા આપી રહ્યા છે : ભાજપના સભ્યોનો અસંતોષનો દાવાનળ ગમે ત્યારે ફાટી નિકળે તેમ છે

 

ગાંધીધામ : કચ્છ જિલ્લા-તાલુકા પંચાયતો, નગરપાલિકાઓમાં ભાજપના તાનાશાહી વલણનાં કારણે ભાજપના જ ચુંટાયેલા સભ્યોમાં ભારે આક્રોશ ફેલાયેલ છે. તેમજ તાલુકા-જિલ્લા પંચાયતોમાં ભાજપના હિટલરશાહી શાસનના કારણે રાજીનામાઓ આપી રહેલ છે જે બતાવે છે કે ભાજપ હમેશા પોતાના પક્ષને શિસ્તબદ્ધ કેડરના દાવાઓ કરી રહેલ છે જે તેમના જ ચુંટાયેલા સભ્યો જાહેરમાં શિસ્તના ધજીયા ઉડાડી રહેલ છે. જેમાં મુખ્ય કારણ ભાજપના નેતાઓ એટલા બધા ઘંમડી બની ગયેલ છે કે જીલ્લા-તાલુકા પંચાયતો કે નગરપાલિકાઓમાં એમના જ પક્ષના ચુંટાયેલા સભ્યોનું સન્માન જાળવતા નથી અને સતત અવગણના કરવામાં આવી રહેલ છે. જેમાં તાજેતરમાં તાલુકા-જીલ્લા પંચાયતો કે નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ અને સમિતિઓના ચેરમેનોની નિમણુંક બાબતે ચુંટાયેલા કોઈ પણ સભ્યોના મંતવ્ય પણ લેવાયેલા નથી અને આ બાબતે કોઈ સેન્સ પ્રક્રિયા પણ કરવામાં આવેલ નથી. ભાજપ દ્વારા ચુંટાયેલા પ્રતિનિધિઓને એટલી હદે અપમાન કરવામાં આવે છે કે એમની વાત સાંભળવા પણ ભાજપ હાઈકમાન્ડ તૈયાર નથી અને મીટીંગ શરૂ થાય ત્યાં સુધી એક પણ સભ્યને જ તેમના પ્રમુખ-ઉપપ્રમુખ કે સમિતિઓના ચેરમેન કોણ હશે એની જાણકારી પણ અપાતી નથી ત્યારે ભાજપ પક્ષના ચુંટાયેલા સભ્યો માત્ર આંગળી ઉંચી કરવા જ ચુંટાયેલ છે તેવું તેમના જ સભ્યોને લાગી રહેલ છે.
તાજેતરમાં તાલુકા-જીલ્લા પંચાયતના ભાજપના જ સભ્યોએ રાજીનામા આપી ભાજપ પક્ષ ઉપર આક્ષેપો લગ્યા છે કે સંગઠનના હોદેદારો ભ્રષ્ટચારો કરે છે, વિકાસના કામોમાં કટકી કરે છે. સીનીયર સભ્યોનું સન્માન પણ જાળવતા નથી. તેમના જ વિસ્તારમાં વિકાસના કામો કરવામાં આવતા નથી. તેમજ અમોને સાંભળવામાં પણ આવતા નથી. અમોએ સુચવેલા કોઈ કામો થતા નથી. એવું જાહેરમાં નિવેદન આપી અને ભાજપના હિટલરશાહી શાસનનો પર્દાફાશ કરેલ છે તેવું વી.કે. હુંબલની યાદીમાં જણાવાયું છે.
૭૬ વર્ષની ઉમરના સીનીયર વડીલ કરશનભાઈ મંજેરીએ વેદના સાથે જણાવેલ છે કે તેમનું ભાજપમાં કોઈ સન્માન જાળવતું નથી. પરંતુ કરશનભાઈ ભાજપ પક્ષ કેટલો સ્વાર્થી છે તેની જાણકારી નથી. કારણ કે જે પક્ષ સૌથી સીનીયર અને પાર્ટીને ઉભી કરનાર એવા સીનીયર આગેવાન લાલકૃષ્ણ આડવાણી, કેશુભાઈ પટેલ, જશવંતસિંહ, અરૂણ શોરી, શત્રુધ્નસિંહા જેવા સીનીયર આગેવાનોનું પણ સન્માન ના જાળવતા હોય તેવા પક્ષ પાસે આપ કેવી રીતે સન્માની અપેક્ષા રાખી શકો.કારણ કે આ તો સરમુખત્યારશાહી પાર્ટી છે. જિલ્લા પંચાયતના ભાજપના જ સીનીયર સભ્યો એવા કરશનભાઈએ જાહેરમાં નિવેદન આપેલ છે કે તેમના વિસ્તારના પ૦ જેટલા તળાવોના કામો સુચવેલ હોવા છતાં એક પણ તળાવ મંજુર કરેલ નથી તેવી જ રીતે કાનાભાઈ આહિરે તેમના વિસ્તારના કામો થતા નથી અને આહિર સમાજને અન્યાય કરવામાં આવી રહેલ છે તેવી વેદના જાહેરમાં કરેલ છે. અને સૌથી સીનીયર આગેવાન ત્રણ-ત્રણ વખત ચુંટાયેલા અરવિંદભાઈ પિંડોરીયાને પણ કદ પ્રમાણે ભાજપ પક્ષે વેતરી નાખેલ છે. ત્યારે આ પક્ષ સતત સીનીયર અને અનુભવી આગેવાનોની ઉપેક્ષા કરતા આવેલ છે. જેના પડઘારૂપે રાજીનામા પડી રહેલ છે.
ભાજપ દ્વારા આઠ સમિતિઓના ચેરમેન તરીકે ૬ જણને રીપીટ કરવામાં આવેલ છે. માત્ર બે સમિતિઓના ચેરમેન એક નવીનભાઈ ઝરૂ અને નરેશભાઈ મહેશ્વરીને રીપીટ કરેલ નથી. શું તેઓ ચેરમેન પદ માટે સક્ષમ ન હતા. તેમની કામગીરી નબળી હતી. તેમના કોઈ ફરીયાદો હતી, તે બાબત પણ ચર્ચાનો વિષય બનેલ છે કારણ કે મોટા ભાગના ચેરમેનોને રીપીટ કરવામાં આવેલ છે ત્યારે આ બે સભ્યોને જ શા માટે બાકાત કરવામાં આવેલ.
આમ, અત્યારે ભાજપ સંચાલિત જીલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ચુંટાયેલા સભ્યોમાં ભારે આક્રોશ વ્યાપી રેહલ છે. તેવું જીલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા વી.કે.હુંબલની યાદીમાં જણાવવામાં આવેલ છે.