રાજસ્થાનમાં વસુન્ધરા રાજેની ગૌરવ યાત્રાનો ચોથો તબક્કો

વસુન્ધરા રાજેને ખેડૂત નારાજગીનો સામનો કરવો પડ્યો

 

જયપુર : રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા સત્તા જાળવી રાખવાના ઇરાદા સાથે હાલમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુન્ધરા રાજે ગૌરવ યાત્રા યોજી રહ્યા છે. તેમની ગૌરવ યાત્રાના ત્રણ તબક્કા પૂર્ણ થયા બાદ આજે શુક્રવારે કોટા વિસ્તારથી તેમની ગૌરવ યાત્રાનો ચોથો તબક્કો શરૂ થયો હતો. શરૂઆતમાં જ રાજેને ખેડુત સમુદાયની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. તેમના ચોથા તબક્કાના આ દોરને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કારણ કે ખેડુત સમુદાય જ તેમનાથી સૌથી વધારે નારાજ છે. આ ક્ષેત્રને હડૌતી વિસ્તાર તરીકે પણ જોવામાં આવે છે. જે ચાર જિલ્લામા વિભાજિત છે. જેમાં કોટા, ઝાલાવાડ, બુન્દી અને બારાનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રમાં વિધાનસભાની ૧૭ સીટો આવે છે. જેમાં મુખ્યપ્રધાન રાજેના મતવિસ્તાર ઝાલરાપાટનનો પણ સમાવેશ થાય છે. તેમના પુત્ર દુષ્યંત સિંહ પણ ઝાલાવાડ-બારા માંથી લોકસભાના સાંસદ તરીકે છે. વર્તમાન વિધાનસભામાં આ ક્ષેત્રમાંથી ભાજપની પાસે ૧૭ પૈકીની ૧૬ સીટો છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી પાસે એક સીટ રહેલી છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે વસુન્ધરા રાજેની સામે આ વખતે અનેક સમસ્યા છે. તેમનાથી જુદા જુદા સમુદાયના લોકો નાખુશ છે. વસુન્ધરા પોતાના મત વિસ્તારમાં જનાર નવથી. હાલમાં જ અહીં ભાજપની કારમી હાર થઇ છે. ખેડુત સમુદાયના લોકો પણ સરકારથી ભારે નાખુશ દેખાઇ રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાથી તેમની માંગ તરફ ધ્યાન આપવામાં આવ્યુ નથી. અખિલ ભારતીય કિસાન સભાના જિલ્લા અધ્યક્ષ દુલીચંદે કહ્યુ છે કે વર્ષ ૨૦૧૪ બાદથી જ હડૌતીમાં ૭૦થી વધારે ખેડુત આત્મહત્યા કરી ચુક્યા છે. અહીં ભારે વરસાદના કારણે સોયાબીન, તલ અને અન્ય પાકને ભારે નુકસાન થયુ છે. ખેડુતો મુખ્યપ્રધાન સમક્ષ જોરદાર રજૂઆત કરવાના મુડમાં દેખાઇ રહ્યા છે. વળતરની માંગ કરવામાં આવી રહી છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે રાજેની સામે ખેડુત સમુદાયને નક્કર ખાતરી આપવી પડશે. ખેડુતો આક્રમક વલણ હાલમાં ધરાવે છે.