રાજસ્થાનમાં મોબ લિંચિંગ ગૌતસ્કરીની શંકામાં ટોળાએ યુવકની હત્યા કરી

(જી.એન.એસ.)ચિત્તોડગઢ,રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં રવિવારે મોડી રાતે કેટલાક લોકોએ ગૌવંશ લઈને મધ્ય પ્રદેશ જઈ રહેલા ૨ યુવકો પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એક યુવકનું મોત થયું છે જ્યારે અન્ય એક યુવકને ઈજાઓ પહોંચી છે. આ કેસમાં કેટલાક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.પોલીસના કહેવા પ્રમાણે પીડિત યુવક કૃષિ કાર્ય માટે બેગૂં ગામ ખાતેથી ૩ બળદ લઈને મધ્ય પ્રદેશ પોતાના ગામ જઈ રહ્યો હતો. ૧૩-૧૪ જૂનની મધ્ય રાત્રિએ ચિત્તોડગઢ જિલ્લાના બિલખંડા ચાર રસ્તા પાસે કેટલાક લોકોએ તેમના પર ગૌવંશ તસ્કરીનો આરોપ મુકીને લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો.ચિત્તોડગઢના પોલીસ અધિકારી દીપક ભાર્ગવના કહેવા પ્રમાણે ઘાયલ યુવકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં એક યુવકે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આ કેસમાં ૭-૮ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. યુવકોએ કૃષિ કાર્ય માટે બળદ ખરીદ્યા હતા પરંતુ તેમના પાસે કોઈ દસ્તાવેજો નહોતા માટે પૃષ્ટિ કરવા પશુઓના વેપારીઓને બોલાવવામાં આવ્યા છે.