રાજસ્થાનમાં ભાજપ ઓમ માથુરને સોંપી શકે છે કમાન

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ પાતળી બહુમતીથી મેળવેલી જીત બાદ રાજસ્થાનમાં હાલમાં જ યોજાયેલી પેટા ચુંટણીમાં ભાજપની કારમી હાર થઈ છે. જેના પગલે ભાજપે હવે ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ જનાધાર ઘટ્યો હોવાનો અંદાજ મુક્યો છે. તેથી આગામી દિવસોમાં રાજસ્થાનના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળશે.તેમાં પણ આ વર્ષે જ રાજસ્થાનમાં વિધાનસભા ચુંટણી યોજાવવાની છે. ત્યારે ભાજપ દ્વારા ઝ્રસ્ વસુંધરા રાજેની હકાલપટ્ટીની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી દેવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તેવા સમયે હાલમાં જ રાજસ્થાનના પ્રવાસે પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજયસભા સાંસદ ઓમપ્રકાશ માથુરને કાર્યકર્તાઓને મુખ્યમંત્રી બનવા માટે અપીલ કરી હતી. તેમનું જોરદાર સ્વાગત પણ કરવામાં આવ્યું છે. જેના પગલે હવે આ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં હાલમાં જ થયેલી પેટાચુંટણીમાં ભાજપની હાર બાદ નેતુત્વ પરિવર્તનની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે. જેમાં પણ રાજસ્થાનના ભાજપના એક નેતાએ રાજ્યમાં ભાજપની પકડ જાળવી રાખવા માટે નેતૃત્વ પરિવર્તનની હિમાયત કરી છે. તેમણે આ અંગે પત્ર પણ લખ્યો છે. તેમજ તે આ પત્રના જવાબની રાહ જોઈ રહ્યા છે.
ભાજપના કોટા જીલ્લાના પછાત વર્ગ શાખાના પ્રમુખ અશોક ચૌધરીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહને પત્ર લખીને આ બાબત મીડિયા સમક્ષ પણ મૂકી હતી. આ પત્રમાં તેમણે રાજસ્થાનમાં નેતુત્વ પરિવર્તનની માંગ કરી છે. તેમજ તેમણે કહ્યું ભાજપનું રાષ્ટ્રીય નેતુત્વ પણ રાજ્યમાં બદલાવની તૈયારી કરી રહ્યું છે . જેની માટે બ્લ્યુ પ્રિન્ટ તૈયાર છે.આ અંગે અશોક ચૌધરીએ કહ્યું કે જયપુર ટીમથી ન્યાયની આશા નથી હવે તમામ આશા દિલ્હીની ભાજપ ટીમ પર ટકેલી છે. તેમણે કહ્યું કે હાલમાં જ રાજ્ય મુખ્યાલય પર એક બેઠક થઈ હતી. જેમાં પણ નેતૃત્વ પરિવર્તન પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આગામી વિધાનસભા ચુંટણી પૂર્વે ભાજપનું રાષ્ટ્રીય નેતુત્વ વચગાળાનો રસ્તો નીકાળવામાં વ્યસ્ત છે.તેમણે આગળ જણાવ્યું છે કે જો મુખ્યમંત્રી વસુંધરા રાજે અને પ્રદેશ પ્રમુખ અશોક પરનામીના નેતુત્વમાં રાજસ્થાનમાં ચુંટણી લડવામાં આવશે તો વર્ષ ૨૦૧૮ની વિધાનસભા અને વર્ષ ૨૦૧૯ની લોકસભા ચુંટણી બંનેમાં ભાજપને હારનો સામનો કરવો પડશે. આ ઉપરાંત ભાજપની પેટાચુંટણીમાં હાર માટે પણ પક્ષના આંતરિક વિવાદને જવાબદાર ગણાવ્યો છે.આ ઉપરાંત હાલમાં જ થયેલી ચુંટણીમાં રાજસ્થાનમાં ભાજપના કાર્યકરો પ્રેરણાહીન થયા છે. તે મતદારોને મળ્યા જ ન હતા ને ક્રોસ વોટીંગ વધારે પ્રમાણમાં થયું હતું. જેના પગલે પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો હતો.