રાજસ્થાનથી ફલોરસ્પાર ભરી કચ્છ આવતા ૪ ટ્રેઈલર પકડાયા

રોયલ્ટી વિના પરિવહન થતું હોવાથી બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ગુંદરી ચેકપોસ્ટ પર કરી કાર્યવાહી : ૧.૬૦ કરોડનો મુદ્દામાલ કબ્જે

ગાંધીધામ : રાજસ્થાનથી ફલોરસ્પાર ખનિજ ભરીને કચ્છ તરફ આવતા ચાર ટ્રેઈલરને બનાસકાંઠા ખાણ ખનિજ વિભાગે ગુંદરી ચેકપોસ્ટ પર પકડી પાડયા હતા. રોયલ્ટી વગર પરિવહન થતું હોવાથી ૧.૬૦ કરોડનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
આ અંગેની વિગતો મુજબ રાજસ્થાનથી ફલોરસ્પાર ભરીને ગુજરાતના ગુંદરી ચેકપોસ્ટ પરથી બનાસકાંઠામાં પ્રવેશી રહેલ ચાર ટ્રેલરની તલાસી લેવામાં આવી હતી. જેના ચાલકની પૂછતાછ કરતા રાજસ્થાનથી રોયલ્ટી વગર ફલોરસ્પાર ભરીને કચ્છ જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. જો કે, રોયલ્ટી ભર્યા વગર પરિવહન થતું હોવાથી રોયલ્ટી ચોરી થયાનું માલુમ પડતા ભૂસ્તર વિભાગે ચાર ટ્રેલર સહિત રૂા.૧.૬૦ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યા હતા. ઝડપાયેલ વાહન માલિકો પાસેથી રૂા.૧પ લાખનો દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજસ્થાનથી ગુજરાતના કચ્છમાં રોયલ્ટી વિના ફેલસ્પાર ભરીને જતા ટ્રેલર આરજે.પર. જીએ.૩ર૮૪ઃ-૪૦(એમટી),આરજે.પર.જીએ.૧ર૮૮ઃ-૪૩(એમટી), આરજે.પર.જીએ.૭૧૪૪ઃ-૩૯ (એમટી), આરજે.૩ર.જીઓ.૦૩૮૯ઃ- ૪૩ (એમટી)ને ઝડપી પડાયા હતા.
અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગે લાકડીયા સમીપે ર૧ ટ્રકોને આવી જ રીતે કબજે કર્યા હતા. કચ્છથી અન્ય જિલ્લાઓમાં રાજયોમાં રોયલ્ટી વગર ખનિજ જતું હોય તો અન્ય રાજય કે જિલ્લામાંથી કચ્છમાં રોયલ્ટી ભર્યા વગર ખનિજ આવે તે પણ સ્વાભાવિક બાબત છે ત્યારે હવે આ બેખોફ ખનિજ ચોરી પર કયારેય અંકુશ આવે છે તે જોવાનું રહ્યું