રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે અંજાર તાલુકાના વિવિધ ગામોને જોડતા રસ્તાનું રિસફેસીંગ કામનો શુભારંભ

image description

રૂ. ૯.૫૫ કરોડના ખર્ચે વિવિધ રસ્તા મળી કુલ ૩૦ કિ.મી.ના રસ્તાનું થશે રિસર્ફેસિંગ

આજરોજ અંજાર તાલુકાના મોડસર ગામે સુગરીયા-મોડસર-જરૂ-ખોખરા-લાખાપર-ટપ્પર-ભીમાસર રોડ તથા અજાપર-મોડવદર રોડના રીસર્ફેસિંગના કામનો રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. પરિવહન સેવા સુલભ બને અને દુર્ગમ વિસ્તારો સુધી સુચારૂ અને ગુણવતાસભર રોડ-રસ્તા મળી રહે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. જે અન્વયે સુગારીયા-મોડસર-જરૂ-ખોખરા-લાખાપર-ટપ્પર-ભીમાસર રોડ તથા અજાપર-મોડવદર રોડ એમ બે રોડની સ્થિતિ બગડે તે પહેલા તેનું રીસર્ફેસિંગ અત્યંત અનિવાર્ય હતું. જેથી વહેલી તકે આ રોડ પર પરિવહન સેવા સરળ બનાવવા માટે બંને રોડના માટે અનુક્રમે રૂ.૬,૩૦,૦૦૦ અને રૂ.૩,૨૫,૦૦,૦૦૦ ફળાવવામાં આવ્યા છે.
જે અન્વયે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ તથા પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે તેનો શુભારંભ કરાવ્યો હતો.
આ તકે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, કચ્છમાં વધુને વધુ વિકાસ કામો પરિપૂર્ણ કરવાનો હંમેશાથી મારો ગુરૂમંત્ર રહયો છે. કચ્છ વિકાસશીલ, શિક્ષણમય અને હરિયાળું બને તે તરફ સરકાર સતત મહેનત કરી રહી છે. વધુમાં તેમણે આગેવાનોને કોઇપણ મુદે્ વધુને વધુ રજુઆત કરી માંગણી કરવા જણાવ્યું હતું અને સાથે ઉમેર્યુ હતું કે, એ માંગણીઓ પુરી કરવી એ અમારી ફરજ છે. કચ્છનો સમતોલ વિકાસ કરવા સરકાર કટિબધ્ધ છે તે પછી ભલેને શિક્ષણમાં હોય, રોજગારી બાબતે કે પરિવહન કે ઉર્જા હોય સાથે માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરને રોડ મજબૂત અને ગુણવતાસભર બનાવવા તાકિદ પણ કરી હતી.
રાજયમંત્રીશ્રીએ વધુમાં નર્મદા નીર અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ટપ્પર, ખોખરા, સતાપર, રતનાલ અને લેર સુધી નર્મદાનું પાણી  લઇ આવવા માટે રૂ.૩૪૦ કરોડનું એસ્ટિમેન્ટ તૈયાર થઇ ગયું છે અને વહેલી તકે ત્યાં સુધી નર્મદાના નીર આવી પહોંચશે. કચ્છની જમીન જયાં વાવો ત્યાં સોનું ઉપજે એવી છે જરૂર હતી તો બસ પાણીની અને એ સમસ્યાનું પણ ટુંક સમયમાં ઉકેલ બની નર્મદા મૈયાના નીર આવી રહયા છે. આ સાથે તેમણે પાણીનો બગાડ અટકાવી પાણી બચાવવા વધુને વધુ ટપક સિંચાઇ પધ્ધતિ અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમનું પ્રાસંગિક ઉદબોધન માર્ગ અને મકાન વિભાગના શ્રી પંચાલે કર્યુ હતું જયારે આભારવિધિ જરૂ ગામના સરપંચશ્રી જીવાભાઇ આહિરે કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન કાનજીભાઇએ કર્યુ હતું.
આ પ્રસંગે અગ્રણી સર્વશ્રી શંભુભાઇ મ્યાત્રા, મ્યાજરભાઇ છાંગા, શંભુભાઇ હુંબલ, રમેશભાઇ, સામંતભાઇ, સંતશ્રી હરિહરાનંદજી, દુદાભાઇ, રતાભાઇ હુંબલ તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.