રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે વીરબાળભૂમિ સ્મારક અને જેસલ તોરલ સમાધિ ફેસ-૨ ના કામોની સમીક્ષા બેઠક યોજી

રૂ.૧૪ કરોડના ખર્ચે બનનાર વીરબાળભૂમિ પ્રોજેકટ નવેમ્બર ૨૧ સુધી પૂર્ણ કરવા સૂચના

જેસલ તોરલ ફેસ-૨ના વિકાસ કામોમાં દુકાનદારો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ વીરબાળભૂમિના અમલીકરણ માટે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે આજરોજ સ્થળની જાત મુલાકાત લઇ સમીક્ષા બેઠક યોજી હતી. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે આજરોજ અંજાર ખાતે રૂ.૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વીરબાળભૂમિ પ્રોજેકટની ચાલી રહેલી કામગીરીની સ્થળ મુલાકાત લઇ આ કામગીરી સાથે સંકળાયેલા તમામ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. રાજયમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના આ ડ્રીમ પ્રોજેકટને નવેમ્બર ૨૦૨૧ સુધી પૂર્ણ કરવા સબંધિત એજન્સીઓને અને સરકારી અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. તેમણે આ અંગે પ્રાંત અધિકારીશ્રીએ ડો.વી.કે.જોશી તેમજ ખાનગી એજન્સીના સુરેન્દરજી સાથે વિગતે માહિતી મેળવી આ અંગે ગાંધીનગર કક્ષાએ GSDMAના CEO સાથે ફોલોઅપ માટે ટેલિફોનિક વાત કરી હતી. રાજયમંત્રીશ્રીએ અંજારના ધાર્મિક સ્થળ જેસલ તોરલ મંદિરના ફેસ-૨ ના પ્રવાસન વિકાસ કામગીરી માટે હયાત દુકાનોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટશ્રી એ.એ.ઝાલા અને મામલતદારશ્રી અફઝલ મંડોરી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી જીગર પટેલને પણ ટેલિફોનિક સૂચના આપી હતી. તેમજ કામગીરી થાય ત્યાં સુધી દુકાનદારોને અન્યત્ર રોજગારી ચાલુ રહે તે માટે વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું. રૂ.૨.૭૬ કરોડના ખર્ચે થનારા ફેસ-૨ ના વિકાસ કામોમાં ૫૩ દુકાનો, ગેસ્ટહાઉસ તેમજ અન્ય કામો ઝડપથી શરૂ કરવા રાજયમંત્રીશ્રી આહિરે માર્ગ અને મકાન વિભાગ અંજારના અધિકારીઓને સૂચના આપી હતી. આ અંતર્ગત તેમણે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી માત્ર વર્ક ઓર્ડર આપવાની બાકી કામગીરી માટે સબંધિતોને કામગીરી ઝડપથી અમલી કરવા સૂચિત કર્યા હતા. આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ અંજારના મદદનીશ ઈજનેરશ્રી પી.એચ.જાડેજા, એજન્સીના દિપકભાઇ, પ્રાંત કચેરી નાયબ મામલતદારશ્રી એમ.સી.પટેલ, વિક્રમસિંહજી તેમજ સબંધિત અધિકારી ઉપસ્થિત રહયા હતા.