રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરની રજુઆતને ધ્યાને લેતા ઉર્જા વિભાગની કુલ ૨૦૯૨ કર્મચારીઓની ઘટ પુરાશે

રાજયના ઉર્જા વિભાગ હેઠળના ઉર્જા વિકાસ નિગમ લી.ની પેટા સંલગ્ન કંપની યુ.જી.વી.સી.એલ., એમ.જી.વી.સી.એલ, પી.જી.વી.સી.એલ અને ડી.જી.વી.સી.એલ. માં વર્ષો જુના સ્ટાફ સેટઅપના કારણે વધતા જતા કામ વચ્ચે કર્મચારીઓ પર ભારણ વધી રહયું હતું. જે અન્વયે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી અને અ.ગુ.વિ.કા.સંઘના કાર્યકારી પ્રમુખશ્રી વાસણભાઇ આહિર તેમજ અ.ગુ.વિ.કા.સંઘના પ્રમુખશ્રી ભરતભાઇ પંડયાએ જીએસઓ-૪ મુજબ જુ.આસી. તેમજ ઈલે.આસી. ની જગ્યાઓ ભરવા છેલ્લા ૪ વર્ષથી સતત લેખિત અને રૂબરૂ મળી રાજય સરકારમાં ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલ અને ઉર્જા વિભાગમાં વિવિધ કક્ષાએ સતત રજુઆતો કરેલ.

        જેના ફળ સ્વરૂપ ઉર્જા વિભાગ દ્વારા યુ.જી.વી.સી.એલ.માં જુ.આસી. ની ૫૩૧ અને ઈલે.આસી ની ૫૦ જગ્યા, એમ.જી.વી.સી.એસલ.માં જુ.આસી.ની ૩૩ જગ્યા, પી.જી.વી.સી.એલ. જુ.આસી. ની ૭૩૫ અને ઈલે.આસી.ની ૫૪૪ જગ્યા એમ કુલ ૧૨૭૯ જગ્યા અને ડી.જી.વી.સી.એલ.માં જુ.આસી.ની ૧૬૮ અને ઈલે.આસી.ની ૩૧ જગ્યા મળી કુલ ૨૦૯૨ જગ્યાઓ મંજુર કરવામાં આવેલ છે.

        આ જગ્યાઓ મંજુર કરવાથી વહીવટી કામગીરીમાં સરળતા રહેશે અને વીજ ગ્રાહકોને વધારે સારી સેવા પુડી પાડી શકાશે. જીએસઓ-૪ મુજબ જગ્યા મંજુર થતાં શ્રી ચેતનસિંહ રાઠોડ, અ.ગુ.વિ.કા.સં., પી.જી.વી.સી.એલ. વર્તુળ તેમજ અન્ય હોદેદારોએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, રાજયકક્ષા ઉર્જામંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ રાજયમંત્રી અને અ.ગુ.વિ.કા.સંઘના કાર્યકારી પ્રમુખશ્રી વાસણભાઇ આહિર તેમજ શ્રી ભરતભાઇ પંડયા, પ્રમુખશ્રી અ.ગુ.વિ.કા.સંઘનો આભાર વ્યકત કરેલ અને સમગ્ર ગુજરાતના ઉર્જા વિભાગના કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી છે.