રાજયમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને કચ્છના પ્રવાસન વિકાસ પ્રોજેક્ટ્સ અંગે સમીક્ષા બેઠક યોજાઇ

પૂર્ણ થયેલા કામોનું સ્થળ નિરીક્ષણ અને ચકાસણી કરી સી.સી. રજૂ કરવા સૂચન કરતા રાજ્યમંત્રીશ્રી

આજરોજ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહીરના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના પ્રવાસન વિકાસ અંગેના પ્રોજેક્ટસના કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી.કચ્છ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ પ્રવાસન ક્ષેત્રના વિવિધ પ્રોજેક્ટસ જેવા કે સ્મૃતિવન, ધોળાવીરા, વીરબાળ સ્મારક, જેસલ તોરલ, લખપત, થાન જાગીર ધિણોધર, ગોવર્ધન પર્વત તેમજ માતાનામઢના વિકાસ કામો અંગેની સમીક્ષા બેઠક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ તકે રાજ્ય મંત્રીશ્રી વાસણભાઇ કચ્છ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ પ્રવાસન ક્ષેત્રના પ્રોજેક્ટ જેવા કે સ્મૃતિવન, ધોળાવીરા, વીરબાળ સ્મારક, જેસલ તોરલ, લખપત, થાન જાગીર ધિણોધર, ગોવર્ધન પર્વત તેમજ માતાનામઢના વિકાસ માટેના શરૂ ન થયેલા કામો, તાંત્રિક મંજુરી હેઠળના કામો, પ્રગતિ હેઠળના કામો તેમજ પૂર્ણ થયેલા કામો અંગે સમીક્ષા કરી વિગતો મેળવી હતી. આ તકે તેમણે વિવિધ પ્રોજેક્ટ ની તલસ્પર્શી વિગતો મેળવી શરૂ ન થયેલા કામોના કારણો જાણી તે અંગે જરૂરી નિવારણ લાવવા તેમજ જે કામમાં સી.સી. (કમ્પ્લીશન સર્ટિફિકેટ) બાકી હોય તેવાં કામોની અમલીકરણ અધિકારીઓએ સ્થળની મુલાકાત લઇ ગુણવત્તા ચકાસવા તેમજ પૂર્ણ થયેલા કામોની પણ ગુણવત્તા ચકાસવા સુચના આપી હતી. આ તકે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે., અધિક નિવાસી  કલેક્ટરશ્રી હનુમંતસિંહ જાડેજા, નખત્રાણા પ્રાંત અધિકારીશ્રી ડો.મેહુલ બરાસરા, જિલ્લા આયોજન અધિકારીશ્રી ચાવડા, તેમજ વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.