રાજકોટ પોલીસે આંતરરાજ્ય વાહન ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યોઃ બેની ધરપકડ

(જી.એન.એસ.)રાજકોટ,રાજકોટ પોલીસે આંતરરાજ્ય વાહન ચોરીનાં કૌંભાડનો પર્દાફાશ કરી બે શખ્સની ધરપકડ કરી છે. આ બંને કંપનીમાં નેટલોસ કારની ઓનલાઇન હરાજીમાં ખરીદી કરતા અને ચોરાઉ કારમાં એન્જિન અને ચેસીસ નંબર લગાવી ઉંચી કિંમતે વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે આ કૌંભાડનાં માસ્ટર માઇન્ડ સહિત બે શખ્સની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. પોલીસને માહિતી મળી હતી કે, નાનામવા સર્કલ નજીક આવાસ યોજનાનાં દરવાજા પાસે સફેદ કલરની સ્વિફ્ટ કારમાં આરોપી શાહબાઝ જોબણ અને તેનો સાગરીત અંકુર સંચાણીયા બેઠા છે. જેને આધારે પોલીસે બન્ને શખ્સની ધરપકડ કરી હતી. એક કારમાં બંને શખ્સ ૩ લાખ રૂપિયા કમાય લેતા હતા.પોલીસ તપાસમાં બન્ને શખ્સ છેલ્લા ઘણાં સમયથી વીમા કંપનીમાંથી નેટલોસ કારની ઓનલાઇન હરાજીમાં ખરીદી કરતા હતા. માસ્ટર માઇન્ડ શાહબાઝ જોબણ દિલ્હીથી ચોરાઉ કાર મંગાવીને તેમાં નેટલોસ કારનાં એન્જિન અને ચેસીસ નંબર નાખીને વેંચી દેતો હતો. પોલીસે આરોપી પાસેથી એક કાર અને વેંચેલી ચોરાઉ કાર સહિત ૮ કાર જેની કિંમત ૩૦ લાખ ૫૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. જોકે દિલ્હીમાં કારની ચોરીને અંજામ આપતા સમશાદ અને મોહસીનની પોલીસે શોધખોળ શરૂ કરી છે. ફરાર બન્ને આરોપીઓ પોલીસ સકંજામાં આવ્યા પછી કેટલીક ચોરીને અંજામ આપ્યો છે તેના પરથી પરદો ઉચકાશે.