રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટે ૨૮ લાખની ફિક્સ તોડી ૧ હજાર ઓક્સિજન સિલિન્ડર ખરીદ્યા

(જી.એન.એસ)રાજકોટ,રાજકોટમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગઇકાલે હાઇએસ્ટ ૫૯ દર્દીઓનાં મોત નીપજ્યા હતા અને આજે ૫૫ના મોત નીપજ્યા છે. કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં પોઝિટિવ દર્દીઓ હોમ આઇસોલેટ થવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. હાલની સ્થિતિમાં દર્દીઓને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું આવતું હોવાથી ઓક્સિજનની માગમાં પણ પ્રથમ કરતા બીજી લહેરમાં વધારો થયો છે. રાજકોટની સામાજિક સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટે હોળી-ધુળેટીનાં તહેવાર બાદ અત્યાર સુધીમાં ૨૮ લાખની ફિક્સ ડિપોઝીટ તોડીને ૧ હજાર ઓક્સિજન સિલીન્ડર ખરીદ કર્યા છે અને ઓક્સિજન સિલિન્ડર સેવા યજ્ઞ શરૂ કર્યો છે.રાજકોટ બોલબાલા ટ્રસ્ટનાં પ્રમુખ જયેશ ઉપાધ્યાયનાં જણાવ્યા મુજબ રાજકોટમાં કોરોનાની સ્થિતિ ગંભીર થતા હોસ્પિટલોમાં બેડ નથી, ઓક્સિજનની માગમાં મોટો ઉછાળો આવ્યો છે. એક સમયે ૩૦૦ સિલિન્ડર ઓક્સિજનનાં હતા જે વધારીને અમારે ૧૦૦૦ સિલિન્ડર વસાવવા પડ્યા છે. ઓક્સિજન સિલિન્ડર યજ્ઞ શરૂ કર્યો છે. જેમાં ડિપોઝીટ લઇને ઓક્સિજન સિલિન્ડર આપી રહ્યાં છીએ. ઓક્સિજન સિલિન્ડર મેળવવા માટે સવારથી જ લોકોની લાઈન લાગે છે અને રાત્રિના સમયે પણ લોકો આવે છે. હોમ ક્વોરન્ટીન થયેલા લોકો સૌથી વધુ ઓક્સિજન સિલિન્ડર લેવા આવી રહ્યાં છે. ૧ હજાર સિલિન્ડર છે પણ માગ ૫ હજાર સિલિન્ડર થાય તો પણ સંતોષી શકીએ તેમ ન હોવાનું જણાવ્યું હતું. બોલબાલા ટ્રસ્ટ પાસે પણ રૂપિયા ખુટી રહ્યાં હોવાથી લોકોને છૂટા હાથે દાન કરવા અપીલ કરી હતી.
બોલબાલા ટ્રસ્ટની આ પહેલને જોઇને રાજકોટનાં શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને પણ સાથ અને સહકાર આપ્યો છે. શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનાં ચેરમેન રમેશભાઇ ટીલાળાએ જણાવ્યું હતું કે, ઓક્સિજનની માગ વધુ હોવાથી શાપર વેરાવળના ૪ ઓક્સિજન પ્લાન્ટને ઓક્સિજનનો સ્ટોક કરવા સુચના આપવામાં આવી છે. અને વધુને વધુ લોકોનાં જીવ બચાવવા માટેનો પ્રયાસ કરવામાં મદદ કરવામાં આવી રહી છે.