રાજકોટમાં આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો

(જી.એન.એસ.)રાજકોટ,રાજકોટ શહેરમાં બે સંતાનનાં પિતાએ આઠ વર્ષની માસૂમ દીકરીનો દેહ પીંખી નાખ્યાની ઘટના સામે આવી હતી. જે અંતર્ગત યુનિવર્સિટી પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં આરોપી કિશોર કેશવભાઈ તાવડેની ધરપકડ કરી છે. યુનિવર્સિટી પોલીસે આ મામલે આઇપીસીની કલમ ૩૬૩, ૩૭૬ (એ)(બી), તથા જાતિય ગુના સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨ની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર મામલે રાજકોટ શહેરના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ એક પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મુંજકા ખાતે એક બાળકી પર મુંજકા ગ્રામ પંચાયતની બાજુમાં આવેલા મેદાનમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પીડિતાના પરિવાર દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક અસરથી આરોપીને ગણતરીની કલાકોમાં પોતાના સકંજામાં લીધો હતો. ત્યારબાદ તેની પૂછપરછ હાથ ધરી હતી. આરોપીનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવતા તેની ધરપકડ પણ કરી છે. આરોપીને સખતમાં સખત સજા મળે તે અંગે પોલીસ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવશે, તેમ ડીસીપીએ જણાવ્યું હતું.