રાજકોટમાં આંતરરાજ્ય સ્કોર્પિયો ચોરતી ગેંગ ઝડપાઈ : ગાંધીધામ સહિત સ્કોર્પિયો ચોરીના ૧૮ ગુનાનો ભેદ ઉકેલાયો

આરોપીઓ બે સ્વીફ્ટ કારમાં ચોરી કરવા આવતા, રાજકોટ આવ્યાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપી લીધા : જો કારમાં જીપીએસ સિસ્ટમ હોય તો તેને દૂર કરવા સાથે જીપીએસ ટ્રેકર રાખતા, સ્કોર્પિયોમાંથી ઇમોબીલાઈઝર કાઢી પોતાનું નાખતા અને સાથે સ્કેનર પણ રાખતા

કુલ રૂ.૭.૩૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો ? રાજસ્થાનમાં અફીણની હેરાફેરી માટે ચોરાયેલા સ્કોર્પિયો
ઉપયોગ લેવાતા, નાકાબંધી અને ચેકીંગ દરમિયાન બે ઘટનામાં આરોપીઓએ ફાયરિંગ કરતા રાજસ્થાન
પોલીસના બે જવાન શહીદ થેયલા : આરોપી મોરબી, રાજકોટ જિલ્લામાં સ્કોર્પિયો વધુ વપરાતા હોવાથી અહીં ચોરી કરવા આવતા : ગુનાઓના ભેદ ઉકેલનાર ટીમને રૂ.૧૫૦૦૦ના ઈનામની જાહેરાત

ગાંધીધામ : ગુજરાત, રાજસ્થાન, હરિયાણા સહિતના રાજ્યોમાં ફક્ત સ્કોર્પિયોની જ ચોરી કરતી રાજસ્થાની ગેંગના ૪ સાગરીતોને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે અને તેમની પાસેથી બે સ્વીફ્ટ કાર, જીપીએસ ટ્રેકર, કાર સ્કેનર, ડિસમિસ, ચાર મોબાઈલ ફોન મળી રૂ.૭.૩૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓએ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વડોદરા, આણંદ, સાણંદ, પેટલાદ, નડિયાદ સહિતના ગુજરાતના શહેરો અને રાજસ્થાન હરિયાણામાંથી ચોરી કરેલા ૧૮ સ્કોર્પિયાના ગુના કબૂલ્યા છે. આરોપીઓ બે સ્વીફ્ટ કારમાં ચોરી કરવા આવતા, રાજકોટ આવ્યાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપી લીધા હતા. અર્પપીઓ જો કારમાં જીપીએસ સિસ્ટમ હોય તો તેને શોધવા અને દૂર કરવા સાથે જીપીએસ ટ્રેકર રાખતા અને સ્કોર્પિયોમાંથી ઇમોબીલાઈઝર કાઢી પોતાનું નાખતા અને સાથે રૂ. ૧ લાખની કિંમતનું કાર પ્રોગ્રામર – સ્કેનર પણ રાખતા હતા. આજે રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી ડીસીપી ઝોન – ૧ પ્રવિણ કુમારે માહિતી આપી હતી કે, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ જેસીપી ખુરશીદ એહમદ ડીસીપી પ્રવિણકુમાર, ડીસીપી ઝોન ૨ મનોહરસિંહ જાડેજા એસીપી ક્રાઈમ ડી.વી.બસીયાએ રાજકોટ શહેર વિસ્તારમાં મિલ્કત સબંધી ચોરી, લુટ વગેરે ગુન્હાઓ અટકાવવા તથા વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એમ.ધાખડા અને એમ. વી. રબારીની ટીમ સતત પ્રયત્નશીલ હતી. તે દરમ્યાન ટીમના હેડ કોન્સ્ટેબલ અમિ અગ્રાવત, કોન્સ્ટેબલ નગીનભાઇ ડાંગર, એભલભાઇ બરાલીયાને બાતમી મળતા રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવી સ્કોર્પિયો કાર ચોરી કરતી ટોળના ૪ આરોપી ઓમપ્રકાશ અંગારારામ સુર્જનરામ ખીલેરી (રહે. આંમ્બાકા ગોલીયા ગામ (જાંબ) જિ. જાલોર રાજસ્થાન), અર્જુન ઉર્ફે અર્જુનરામ ઉર્ફે અનીલ રઘુનાથરામ ખીલેરી બીસ્નોઇ (રહે.નીમલીપટલાને તા. રોહત રાજસ્થાન), ઓમપ્રકાશ ઉર્ફે પ્રકાશ ભગવાનરામ વગદારામ ડારા બીસ્નોઇ (રહે. પુરગામ ડારાકી ધાણી સ્કુલ પાસે, તા.રાનીવાડા જિ. જાલોર રાજસ્થાન), પીરારામ લાડુરામ જાણી બીસ્નોઇ (રહે. પાલડી ગામ તા.સાંચોર જિ. જાલોર)ને દબોચી લીધા હતા અને તેમની પૂછપરછમાં અન્ય આરોપી મોટારામ મુળારામ કડવાસરા (રહે. ચવાગામ તા.બાયતુ જિ.બાડમેર), બંશીલાલ અન્નારામ ખીલેરી (રહે. મોખાત્રા ગામ તા. રાણીવાડા જિ. જાલોર), ઓમપ્રકાશ ઉર્ફે પીન્ટુ મંગલારામ ખીલેરી બીસ્નોઇ (રહે.પનોરીયા તા.સેડવા જિ. બાડમેર), ઓમપ્રકાશ જોરારામ ખીલેરી (રહે.અરણાય ગામ તાલુકો સાંચોર જિ. જાલોર, રાજસ્થાન)ને પકડવા તપાસ હાથ ધરી છે.પોલીસે જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં અફીણની હેરાફેરી માટે ચોરાયેલા સ્કોર્પિયો ઉપયોગ લેવાતા હતા. આરોપીઓ ૧૫થી ૨૦ લાખની કિંમતના સ્કોર્પિયો રૂ.૧ લાખથી ૩ લાખ સુધીમાં વેચી નાખતા હતા. આ સ્કોર્પિયો ખરીદી અન્ય આરોપી અફીણ લઈ જઈ રહ્યા હતા ત્યારે નાકાબંધી અને ચેકીંગ દરમિયાન બે ઘટનામાં આરોપીઓએ ફાયરિંગ કરતા રાજસ્થાન પોલીસના બે જવાન શહીદ થયા હતા. એક ઘટનામાં રાજકોટમાંથી ચોરી થયેલી સ્કોર્પિયોનો ઉપયોગ થયો હતો.

આરોપીઓની મોડ્‌સ ઓપરેન્ડી

ગાંધીધામ : સૌ પ્રથમ આ કામના આરોપીઓ રાત્રીના દશ વાગ્યા આસપાસ ગાડીની રેકી કરી અને ગાડી જોય લેતા હતા. ત્યારબાદ રાત્રે બે વાગ્યાની આસપાસ કારની ચોરી કરતા. ચોરી કરતી વખતે સૌ – પ્રથમ આ આરોપીઓ સ્કોર્પિયોની નીચે જઇને કારના સાયરનનો વાયર કાપી નાખે જેથી દરવાજો ખોલાવાથી સાયરન ન વાગે. ત્યાર બાદ કારની વચ્ચેના દરવાજામાં આવેલ બે કાચ પૈકી નાના કાચની રીબીન કાઢી બે ડીસમીસથી આખો કાચ કાઢી નાખતા, એ બાદ હાથ નાખી અંદરથી વચ્ચેનો દરવાજો ખોલી કારમાં અંદર જતા અને સ્ટેરીંગ વ્હીલની નીચે આવેલા ઇમોબીલાઇઝરના સ્ક્રુ ખોલી આખુ ઇમોબીલાઇઝર કાઢી નાખે અને પોતાની સાથે લાવેલ ઇમોબીલાઇઝર ફીટ કરી બોનેટ ખોલી બોનેટમાં આવેલ ઇસીએમ કાઢી અને પોતાની સાથે લાવેલ પોતાના સેટનું જ ઇસીએમ લગાવી દેતા અને કાર ચાલુ થઇ જાય તો લઇને જતા રહે છે અને જો કાર ચાલુ કરવામાં એરર બતાવતો પોતાની સાથે રહેલા કાર સ્કેનરથી ગાડીમાં રહેલ ફોલ્ટ સ્કેન કરતા અને તે ફોલ્ટ દુર કરી અને કાર લઈ ફરાર થઈ જતા તેઓ હંમેશા સ્કેનર પોતાની સાથે જ રાખતા અને અગાઉથી નક્કી થયેલ રૂટ મુજબ પોતાની અને ચોરીની કાર લઇ હાઇસ્પીડથી પોતાની નક્કી કરેલી જગ્યાએ જતા રહેતા હતા.આ ઉપરાંત આરોપીઓ ચોરી કર્યા બાદ જીપીએસ ટ્રેકર વડે આખી કારને ચેક કરી લેતા જેથી જો કોઇ ગાડીમાં જીપીએસ લાગેલુ હોય તો તેમને જાણ થઇ જાય અને જીપીએસને કાઢી અને દુર ફેકી દેતા હતા. જેથી પોતે પકડાય ન જાય તેની તેફદારી રાખતા. ચોરેલી ગાડીની નંબર પ્લેટ તેમજ એન્જીન ચેસીસ નંબર આ કામના આરોપી ગાડી ચોર્યા બાદ પોતાના વતનમાં જઇ અને ત્યા નંબર પ્લેટ કાઢી નાખતા અને ગાડીના ચેસીસ નંબર પર ગ્રાઇન્ડર મશીનથી ઘસી નાખતા. જેથી ગાડીના ઓરીજનલ માલીકની ઓળખ ન થાય અને પોતે સરળતાથી ગાડી પોતાના કબ્જામાં રાખી શકે.