રાજકોટમાં અવિરત મેઘવર્ષાથી આજી-૧ ડેમ ઓવરફ્લો

રાજકોટ : ગઇકાલે રાજકોટમાં ૧૩ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આથી શહેર અને જિલ્લાના તમામ જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. ખાસ કરીને રાજકોટની જીવાદોરી સમાન આજી-૧ ડેમને ઓવરફ્લો થવામાં દોઢ ફૂટનું છેટું છે. હાલ પાણીની આવક ચાલુ હોવાથી આગામી ૨૪ કલાકમાં પૂર્ણ સપાટીએ ભરાય જાય તેવી શક્યતા છે. કુલ સપાટી ૨૯ ફૂટ છે અને હાલ ૨૭.૫૦ ફૂટ સુધી ડેમ ભરાય ગયો છે. આજીડેમ નજીક લોકોને જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જીવાદોરી સમાન આજી ડેમ ભરાવાની તૈયારી હોવાથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે.રાજકોટ શહેરમાં અને આજુબાજુના ગામોમાં ભારે વરસાદને પરિણામે રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડી રહેલા જળાશયોમાં નવા નીરની સારી એવી આવક થઇ છે. મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જળાશયોની આજે બપોરે ૧ વાગ્યાની સ્થિતિ વિશે માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, ૨૯ ફૂટની ઊંડાઈ ધરાવતા આજી-૧ ડેમની જળ સપાટીમાં વધારો થતા હાલની પાણીની સપાટી ૨૭.૪૫ ફૂટે પહોંચી છે. જ્યારે ૨૫ ફૂટ ઊંડાઈ ધરાવતા ન્યારી-૧ ડેમ પાણીની નવી આવકથી છલોછલ ભરાઈ ગયો છે અને વર્તમાન જળસ્તર ૨૫ ફૂટે પહોંચ્યો છે. આ ઉપરાંત ૩૪ ફૂટની ઊંડાઈ ધરાવતા ભાદર-૧ ડેમમાં નવી જળરાશી સાથે વર્તમાન સપાટી ૩૦.૨૦ ફૂટે પહોંચી છે. આજી ડેમમાં ૨૪ કલાકમાં ૭.૬૫ ફૂટ નવું નીર આવ્યું છે.સૌરાષ્ટ્રના બીજા નંબરનો સૌથી મોટો ડેમ ભાદર-૧ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઇ છે. ભારે વરસાદને કારણે ડેમમાં હાલ ઉપરવાસમાંથી ૨૭૫૨૮ ક્યુસેક પાણીની આવક ચાલુ છે. આથી ડેમ ૩૦.૨૦ ફૂટ સુધી ભરાય ગયો છે અને કુલ સપાટી ૩૪ ફૂટ છે. રાજકોટ જિલ્લામાં જસદણ અને વીંછિયા તાલુકાને બાદ કરતા બધા જડ તાલુકામાં દુષ્કાળની સ્થિતિ પર બ્રેક લાગી ગઇ છે.રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ લોધિકા પંથકમાં પડ્યો છે અને ત્યાંના પાણીનો પ્રવાહ લઈને આવતી મોટા ભાગની નદી ન્યારી નદીમાં ભળતાં ન્યારી-૧ ડેમમાં પાણી આવે છે. એકદમથી ભારે વરસાદ આવતાં ન્યારી-૧ ડેમની સપાટી જોખમી રીતે વધવાની શરૂ થઈ હતી. પાણીની આવક એટલી વધારે હતી કે મોડી રાત્રિના જ મનપાના ઈજનેરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને ત્યારથી જ સિટી ઈજનેર એમ. આર. કામલિયા, ડેપ્યુટી ઈજનેર હિતેશ ટોળિયા સહિતનો સ્ટાફ સ્ટેન્ડ ટુ હતો અને દરેક મિનિટ ગણાતી હતી, જોખમ એટલું હતું કે નિર્ણયમાં થોડી પણ ક્ષતિ રહે તો ન્યારી ડેમના ઉપરવાસના અથવા નીચાણવાસનાં ગામોમાં તારાજી થઈ જાય એમ હતી.સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયોમાં વરસાદથી પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. ડેમ ૧૦૦ ટકા છલોછલ થઈ જતા તેને તૂટતા બચાવવા માટે ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. જામનગરના ૯ મોટા ડેમમાંથી ૮ ડેમો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે. જ્યારે આજી-૪ ડેમ ૭૦ ટકાથી વધુ ભરાઈ ગયો છે. રાજકોટમાં ૭ મોટા ડેમમાંથી ૫ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. જૂનાગઢના વંથલીનો ઓઝત-વિઅર ડેમ પણ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે.