રાજકોટમાં અલગ- અલગ વિસ્તારોમાં ૨ની તીવ્રતાના ભૂકંપના આંચકો

(જી.એન.એસ.)રાજકોટ,આજે સવારથી સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાય રહ્યાં છે. સવારે ૭.૧૭ વાગ્યે રાજકોટમાં ૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબીંદુ રાજકોટથી ૩૧ કિલોમીટર દૂર નોંધાયું છે. બાદમાં ૧૦.૨૪ વાગ્યે તાલાલામાં ૧.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ ૮ કિમી દૂર નોંધાયું છે. આ ભૂકંપના આંચકાના બે કલાક બાદ ફરી ૧૨.૨૮ વાગ્યે ફરી ૨.૨ની તીવ્રતાનો આંચકો તાલાલામાં નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી ૫ કિમી દૂર નોંધાયું હતું. આમ સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં ત્રણ-ત્રણ આંચકા અનુભવાતા લોકોમાં ગભરાહટ જોવા મળ્યો હતો.સૌરાષ્ટ્રમાં આજે બપોર સુધીમાં ભૂંકંપના ત્રણ-ત્રણ આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, આ આંચકાથી કોઇ જાનહાનિ સર્જાય નથી. તેમજ લોકોના ઘર, ઓફિસ કે સરકારી ઇમારતોને નુકસાન પહોંચ્યું નથી. તાલાલામાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. ક્યારેક તો તાતાલામાં ભેદી ધડાકા પણ થાય છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં લાંબા સમયે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.