રાજકોટને મળી શકે છે માસ્કમાંથી મુક્તિ, પુખ્તવયના ૬૦ ટકા લોકો વેક્સીનથી થયા સુરક્ષિત

(જી.એન.એસ)રાજકોટ,રાજકોટમાં હાલ મંદ પડેલા વેક્સીનેશનમાં ગતિ લાવવા મનપાએ ફરી ઝૂંબેશ આદરી છે, ત્યારે આજ સુધીમાં ૧૮ વર્ષથી મોટી વયના ૧૦ લાખ લોકો પૈકી ૬ લાખથી વધુ લોકોએ રસીનો એક ડોઝ મેળવી લીધાનું જાહેર કરાયું છે. જ્યારે આશરે ૫ લાખ લોકો ૧૮ વર્ષથી નાની વયના છે. જો રસીકરણની ગતિ વધારીને મનપા તા.૩૧ જૂલાઈ સુધીમાં લક્ષ્યાંક મૂજબ રસીકરણ કરે તો ઓગષ્ટમાં રાજકોટમાંથી અન્ય દેશોની જેમ જાહેરમાં માસ્કમાંથી મુક્તિ આપવાનું પણ વિચારી શકાય અને થર્ડ વેવની અસર ઘણી ઓછી થઈ જાય તેવા ઉજળા સંજોગો છે. એવા પણ અણસાર મળ્યા છે કે શહેરમાં હવે નજીકના સમયમાં જ હર્ડ ઈમ્યુનિટી આવી શકે તેમ છે.મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલે જણાવ્યું કે શહેરની વસ્તી હાલ આશરે ૧૫ લાખ છે, તે પૈકી ૧૮થી ૪૪ વર્ષના ૬.૪૦ લાખ લોકો અને ૪૫ વર્ષથી મોટી ઉંમરના ૩.૨૬ લાખ લોકોને રસીકરણનો લક્ષ્યાંક છે. આ પૈકી ૬૦ ટકા લોકોને રસી અપાઈ ગઈ છે અને હાલ અમે ડીલીવરી બોય રસી લે તે માટે ભારપૂર્વક અપીલ કરી છે, ફેરિયાઓ સહિત સુપર સ્પ્રેડર્સને રસી માટે સમજાવાઈ રહ્યા છે અને આજે રસીકરણ ગત બે દિવસથી આંશિક વધ્યું છે.આરોગ્ય અધિકારી ડો.લલિત વાંઝાએ જણાવ્યું કે ૪૫થી વધુ વયના મોટાભાગના ૨.૪૫ લાખ લોકોએ રસી લઈ લીધી છે. ૧૭,૪૮૬ હેલ્થ વર્કર અને ૨૯,૭૦૪ કર્મચારીઓ, અધિકારીઓએ રસીથી સુરક્ષિત થયા છે. અત્યાર સુધીમાં કૂલ ૪૨ હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે જેમાં પણ એન્ટીબોડી જનરેટ થાય છે. હર્ડ ઈમ્યુનિટી આવવાનું શરુ થયું કે નહીં તે બાબત અભ્યાસ પછી જ જાહેર થઈ શકે છે પણ એક નિર્દેશ સ્પષ્ટપણે મળે છે કે હાલ કોરોના કેસો એકદમ ઘટી ગયા છે ત્યારે હવે ત્રીજા મોજાનો ખતરો પણ ઓછો થાય તેમ છે. બાળકોને રસી હાલ અપાઈ નથી પરંતુ, બાળકોમાં કોરોના ઓછો થયો છે અને જેમને થયો તેમાં મોટાભાગના કોઈ ગંભીર થયા નથી.