રાજકોટની મેડિકલ કોલેજના સેકન્ડ MBBSના ૪ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

આફ્રિકાથી મારવાડી યુનિ.માં અભ્યાસ માટે આવેલાં વિદ્યાર્થીનું મોત

(જી.એન.એસ.)રાજકોટ,કોરોનાની બીજી લહેરે રાજ્યમાં ફફડાટ લાવી દીધો છે. હવે રાજ્યમાં કોરોના કેસોનો આંક ૧૫૦૦થી વધારે પહોંચી રહ્યો છે. તેવામાં રાજ્યમાં ફરી એકવાર કોરોના બેકાબૂ બનતાં લોકોમાં ભારે ડરનો માહોલ છે. ત્યારે રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં ૬ દર્દીના મોત થયા છે. જેમાંથી આફ્રિકાથી અભ્યાસ માટે મારવાડી યુનિવર્સિટી આવેલા વિદ્યાર્થીનું કોરોનાથી મોત થયું છે. તેની સારવાર સિવિલના કોવિડ વોર્ડમાં ચાલતી હતી. અને આ વિદ્યાર્થીના મોત અંગે ડેથ ઓડિટ કમિટી નિર્ણય લેશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. હાલ મારવાડી યુનિવર્સિટીમાં કોરોનાના ૮થી વધુ કેસો નોંધાયા હતા. જો કે, થોડા સમય બાદ વિદ્યાર્થીના મોત મામલે ખુલાસો થયો હતો. વિદ્યાર્થીનું મોત એચઆઇવીને કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમા કોરોના કહેર દિનપ્રતિદિન વધતો જાય છે. રાજકોટમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ ૧૦૦ને પાર પહોંચ્યા હતા. નવા ૧૦૯ કેસ અને જિલ્લામા એકનું મોત નિપજયુ હતું. તો બીજી તરફ રાજકોટ મેડિકલ કોલેજમાં સેકન્ડ એમબીબીએસના ચાર વિદ્યાર્થીને કોરોના થતા ફફડાટ ફેલાયો હતો.કોરોનાને કાબૂમાં રાખવા માટે મનપાએ ફરીથી ટેસ્ટિંગ બૂથ શરૂ કર્યા છે તેમજ ફરીથી જે વિસ્તારમાંથી કેસ આવે ત્યાં સેનિટાઈઝેશનની કામગીરી હાથ ધરાશે અને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનનું કામ ચુસ્ત રીતે થશે. જિલ્લા કલેક્ટર કચેરીએ અલગ અલગ વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી વેક્સિનેશન વધારવા માટે સૂચના અપાઈ છે.