રાજકોટઃ કપાસનાં ભાવમાં ૧૧ વર્ષ બાદ જોરદાર ઉછાળો,

(જી.એન.એસ)રાજકોટ,હાલ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં એક મણ કપાસના ભાવ ૧૫૭૦ પર પહોંચ્યા છે. ઘણા લાંબા સમય બાદ કપાસના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યાં હોવાનું સામે આવ્યું છે.ત્યારે વાતચીતમાં સૌરાષ્ટ્ર એપીએમસીના વેપારી એસોસિયેશનના પ્રમુખ અતુલભાઈ કામાણીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, અંદાજિત ૧૧ વર્ષથી વધુનો સમય વીતી ચૂક્યો છે કે, જ્યારે ખેડૂતોને આ પ્રકારે કપાસના ભાવ મળ્યા હોય. શંકરસિંહ વાઘેલા જ્યારે કેન્દ્રીય કાપડ મંત્રી હતા ત્યારે કપાસના ભાવ ૧,૫૦૦ પાર ગયા હતા. ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું હોવાના કારણે તેમજ વૈશ્વિક બજારમાં કપાસની માંગ વધતા કપાસના ભાવ આસમાને પહોંચ્યા છે.ત્યારે હાલ જે પ્રમાણે કપાસના સારા એવા ભાવ મળી રહ્યા છે. જેના કારણે હાલ શક્યતા સેવાઇ રહી છે કે, આવતા વર્ષે ખેડૂતો ગત વર્ષની સરખામણીએ તેમજ ચાલુ વર્ષની સરખામણીએ આગામી વર્ષે કપાસના વાવેતરમાં વધારો કરશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જેના કારણે ક્રમશઃ ખેડૂતો કપાસની વાવણી પણ ઓછી કરતા થયા છે. તો સાથે જ ગત વર્ષે વરસાદના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કપાસનો પાક પણ નિષ્ફળ ગયો હતો.તો બીજીતરફ મગફળીમા પણ ખેડૂતોને સારા પૈસા ઉપજી રહ્યા હોવાનું સામે આવ્યું છે. મગફળીના ભાવ હાલ ૧૨૦૦ રૂપિયાથી લઈ ૧૩૫૦ રૂપિયા સુધીના હરાજીમાં મળી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ બીડી માર્કેટિંગ યાર્ડમાં હાલ તલ અને મગની પણ આવક થવા પામી છે તેમાં પણ ખેડૂતોને સારુ મળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.