રાઈટ ટુ એજ્યુકેશન : કચ્છમાં હજુ ૬૦ જગ્યા ખાલી

આવતા સપ્તાહે ત્રીજો રાઉન્ડ જાહેર થાય તેવી શક્યતા : પ્રથમ બે રાઉન્ડમાં ૧૯૩૮ બાળકોએ ખાનગી શાળાઓમાં મેળવ્યો પ્રવેશ : બાકી રહેલી જગ્યાઓ પૈકી હવે ૩૦ જેટલી જગ્યા ભરાય તેવી શક્યતા

ભુજ : ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારના બાળકો સારૂ શિક્ષણ મેળવી શકે તે માટે આરટીઈ એટલે કે, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. દર વર્ષે નવા શૈક્ષણિ વર્ષના પ્રારંભે પાંચ વર્ષ પૂર્ણ કરનાર બાળકોને આરટીઈ અંતર્ગત ખાનગી શાળાઓમાં ધો.૧માં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવનાર બાળકોના અભ્યાસનો ખર્ચ પણ સરકાર ભોગવે છે. કોરોના મહામારીના કારણે ચાલુ વર્ષે પણ આરટીઈની પ્રક્રિયા મોડી શરૂ કરવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં બે રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા હોઈ તેમાં ૧૯૩૮ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. જિલ્લામાં હજુ ૬૦ બેઠકો ખાલી હોઈ સંભવતઃ આવતા સપ્તાહ સુધીમાં ત્રીજો રાઉન્ડ જાહેર થવાની શક્યતા સેવાઈ રહી છે.આ અંગેની વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા લોક કલ્યાણલક્ષી અનેકવિધ યોજનાઓ અમલી બનાવાઈ છે. રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરે અને ગુજરાતના બાળકો પણ દેશભરમાં પોતાનું નામ રોશન કરે તે માટે શિક્ષણક્ષેત્રે પણ સતત પરિવર્તનો અમલી બનાવાઈ રહ્યા છે. ગરીબ તેમજ વંચિત જૂથના બાળકો પણ ખાનગી શાળામાં પ્રવેશ મેળવી શકે અને એ પણ વિનામૂલ્યે તે માટે અત્યંત મહત્ત્વની એવી રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત યોજના પણ અમલમાં મુકાઈ છે. આ યોજના અંતર્ગત દર વર્ષે રાજ્યભરમાં હજારો બાળકો ખાનગી શાળામાં ધો.૧માં પ્રવેશ મેળવે છે.કચ્છની વાત કરીએ તો જિલ્લામાં આરટીઈ અંતર્ગત ખાનગી શાળાઓમાં રપ૦૦ બેઠકો ફાળવવામાં આવી છે. જિલ્લામાં ચાલુ વર્ષે પ્રથમ રાઉન્ડમાં ૧૯૬ર અરજીઓનો સમાવેશ કરાયો હતો. જેમાંથી ૧ર અરજીઓ રદ્દ થઈ હતી અને ૧૮૧૮ બાળકોને પ્રવેશ અપાયો હતો. બીજા રાઉન્ડમાં ૧૬ર અરજીઓમાંથી ૧ અરજી રદ્દ થઈ હતી.જ્યારે ૪૧ અરજીઓ પડતર રખાઈ હતી. ૧ર૦ બાળકોને બીજા રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લામાં હજુ પણ ૬૦ જેટલી જગ્યાઓ ખાલી હોઈ સભવતઃ આવતા સપ્તાહમાં ત્રીજા રાઉન્ડ માટેની પ્રક્રિયા જાહેર થઈ શકે તેમ છે. જિલ્લામાં ૬૦માંથી ૩૦ જેટલી બેઠકો ત્રીજા રાઉન્ડના અંતે ભરાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.