રસીકરણ અભિયાનમાં ૩૨૦૦૦ કરોડનું કૌભાંડ, સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ થઇ

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,દેશમાં કોરોના સંક્રમણની વધી રહેલી ઝડપ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ થઇ છે. આ અરજીમાં કોરોના સંકટ સામે લડવા માટેની કેન્દ્ર સરકારની નીતિઓ પર પ્રશ્નો પણ કરવામાં આવ્યા છે. આ અરજી વકીલ દીપક આનંદ મસીહે દાખલ કરી છે, તેમણે રસીકરણ અભિયાનમાં ૩૨ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાનો પણ દાવો કર્યો છે.અરજદાર દીપક આનંદ મસીહે અરજીમાં કહ્યું છે કે પશ્ચિમી દેશોમાં કોરોનાની રસી તૈયાર કરી લેવાઇ પણ તેની પડતર કિંમત ૧૫૦-૨૦૦ રૂપિયાથી વધારે નથી પણ આપણા દેશમાં તે ૬૦૦ રૂપિયામાં સામાન્ય વ્યકિતને અપાય છે. હવે જ્યારે ૧૮ વર્ષથી વધુ વયના યુવાઓને રસી મુકવાની છે તો કિંમત પણ વધારી દેવાઇ છે. એક અંદાજ અનુસાર ૮૦ કરોડ લોકોને રસીના બે ડોઝ આપવાના છે. એટલે રસીકરણ અભિયાનમાં રસીની કિંમતનું ગણીત ૩૨ હજાર કરોડ રૂપિયાના ગોટાળાની પુષ્ટી કરે છે.અરજદારનો દાવો છે કે વડાપ્રધાને નેશનલ સાયન્ટીફીક ટાસ્ક ફોર્સ તો બનાવી લીધી પણ ફેબ્રુઆરી – માર્ચમાં તેની એક પણ બેઠક ન થઇ કેમકે કેટલાક રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી હતી. અરજીમાં કહેવાયું છે કે દેશમાં ગયા વર્ષે ઓકટોબર મહિનામાં જ જીનોમ સીકવન્સીંગ લેબોરેટરી ઇન્સ્ટીટયૂટ શરૂ કરવાની વાત કહેવાઇ હતી, પણ હજુ સુધી તે ચાલુ કેમ નથી કરાઇ ?અરજીમાં કહેવાયું છે કે અમેરિકન રાષ્ટ્રપતિને પણ આખા દેશમાં લોકડાઉન કરવાનો અધિકાર નથી પણ ભારતના વડાપ્રધાનને છે. લોકડાઉન કરીને પણ જોઇ લીધું. લોકડાઉનમાં સચોટ નીતિઓ બનાવીને તે નીતિઓ પર નક્કર અમલ કરવાની જરૂર હતી પણ સમય એમને એમ વ્યતિત થઇ ગયો અને થયું કશું નહીં. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સમસ્યા સંસાધનો કરતા સરકારી નીતિઓની વધારે છે. તેમણે માંગણી કરી છે કે કોર્ટ સરકારને તાત્કાલિક સાચી નીતિઓ બનાવીને તેના પર યુધ્ધના ધોરણે અમલ કરવાનો આદેશ આપે.