રશિયા જવાના બહાને ૧.ર૩ લાખની સાથે પાસપોર્ટ પણ ગુમાવ્યા

ગાંધીધામમાં રહેતા યુવાને કલકત્તાના વ્યક્તિ સામે નોંધાવી ફરિયાદ

ગાંંધીધામ : ઔદ્યોગિક સંકુલમાં ફરી એક વખત નોકરીના બહાને ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. જેમાં વિદેશ જવાના બહાને ગાંધીધામના યુવાને ૧.ર૩ લાખ રોકડા અને પાસપોર્ટ ગુમાવ્યા હોવાની ફરિયાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં દાખલ થઈ છે.રોટરીનગરમાં રહેતા ર૯ વર્ષિય વેંકટેશ્વરાવ સાંઈબાબુ યાનામદલાએ કલકત્તામાં રહેતા રીતીખા સેન સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીએ ફરિયાદી અને સાહેદોને વિદેશ રશિયા કામ માટે લઈ જવાના બહાને બેંક ખાતા મારફતે રોકડા રૂપિયા ૧,ર૩,૬૦૦ મેળવી લીધા હતા. બાદમાં આરોપીએ પાસપોર્ટ મંગાવ્યા હતા. જેથી ફરિયાદીએ પોતાનું અને સાહેદનો પાસપોર્ટ કુરીયર મારફતે મોકલ્યો હતો. પરંતુ બાદમાં વિદેશ તો જવા ન મળ્યું અને રોકડા રૂપિયાની સાથે પાસપોર્ટ ગુમાવી દીધા છે. આરોપીએ ફરિયાદીનો નંબર પણ બ્લોકમાં નાખી દીધો હતો. જેથી વિશ્વાસ ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે.