રવ નજીક ધણ પર વીજળી ત્રાટકતા ૧૭ ઘેટા-બકરાના મોત

  • માલધારીઓ પર આભ ફાટ્યું

ગત રાત્રીના બનેલા બનાવમાં ત્રણ પશુ થયા ઈજાગ્રસ્ત : રાપર તાલુકા વિકાસ અધિકારી સહિતનાઓ પહોંચ્યા ઘટના સ્થળે

(બ્યુરો દ્વારા)રાપર : વરસતા વરસાદ વચ્ચે રાપરના રવ નજીક રાત્રીના માલધારીઓના ધણ પર એકાએક વીજળી ત્રાટકતા ૧૭ ઘેટા – બકરાના મોત નિપજ્યા હતા. બનાવના પગલે માલધારી પર આભ ફાટવા સમાન સ્થિતિ સર્જાઈ છે.
આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં દર વર્ષે ચોમાસા દરમ્યાન વીજપ્રપાતના બનાવો પણ વધી જતા હોય છે. વીજળી પડવાના કારણે સીમાડાઓમાં રહેલા અનેક પશુઓના મોત પણ નીપજતા હોય છે. ચાલુ વર્ષે મેઘરાજા હજુ સુધી મનમુકીને ભલે વરસી રહ્યા ન હોય પરંતુ હળવા ઝાપટા દરમ્યાન પણ વીજપ્રપાતના બનાવો બની જ રહ્યા છે. ગત રાત્રીના રાપર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં એકાએક ભારે ઝાપટું વરસ્યું હતું. તાલુકાના અનેક ગ્રામીણ વિસ્તારોની સાથોસાથ રવમાં પણ ગાજવીજ સાથે ભારે ઝાપટું વરસ્યું હતું. રવ ગામ નજીક મોણકાના ખેતરમાં માલધારીઓ પોતાના ઘેટા – બકરાને ચરાવી રહ્યા હતા, તે દરમ્યાન વીજળી પડતા વેલા પેથા રબારીના દસ, રામ ભુતાના પાંચ અને ભટા પેથાના ર પશુના મોત નિપજયા હતા, તો ત્રણ પશુ ઈજાગ્રસ્ત થયા હતા. બનાવને પગલે આજે સવારે વેટરનરી ડોકટર દ્વારા મૃત પશુઓનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા તાલુકા પંચાયત સદસ્ય મયુરીબા શક્તિસિંહ જાડેજા, દેવુભા જાડેજા, રાપર ટીડીઓ આર.કે. રાઠવા, ડોકટર આરતીબેન કાપડી, તલાટીમંત્રી હિતેશ પ્રજાપતિ, સર્કલ ઓફિસર અરવિંદ ઠક્કર સહિતનાઓ બનાવ સ્થળે પહોંચી ગયા હતા.