રવિવારે કચ્છના રસ્તા બન્યા રકતરંજિત : બે માર્ગ અકસ્માતમાં ૧૦ના મોત

આડેસર પાસેના ત્રીપલ અકસ્માતમાં ૪ના જીવ ગયા તો દેશલપર ફાટક પાસે છકડા-ટ્રકના ગમખ્વાર અથડામણમા છ જીંદગીઓનો આવ્યો કરૂણ અંત

 

માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહની ઉજવણી કરનાર આરટીઓ તંત્ર, મુખ્ય ચાર રસ્તાઓની ‘ચોકડી’ પર ‘રોકડી’ કરવા જ ઉભા રહેતા જિલ્લા ટ્રાફિક પોલીસ, આવેરલોડ પેસેન્જરોને ઠાંસીઠાંસીને ભરીને લઈ જવા, માલવાહક વાહનોમાં પેસેન્જરોને બેફામ હેરફેર, કચ્છ કલેકટરના વિવિધ જાહેરનામાઓનો ખુલ્લેઆમ ભંગ હજુય કચ્છમાં કેટકેટલા નિર્દોષ લોકોની લેશે જીંદગી ?

 

ગાંધીધામ : ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનુ છે? આજ રોજ રવિવારનો રજા-મજાનો દિવસ પણ કચ્છને માટે ગોઝારો સાબીત થવા પામી ગયો છે. રવિવારના દિવસે કચ્છના રસ્તાઓ રકતરંજિત બન્યા હોય તેવા કરૂણ સમાચારો આજે વહેલી સવારથી જ સોશિયલ મીડીયા પર વહેતા થવા પામી ગયા હતા.
રવિવારના આજે કચ્છના પ્રવેશદ્વાર પૈકીના જ એવા આડેસર પાસે કરૂણાંતિક સર્જતો ત્રીપલ અકસ્માત બની જવા પામી ગયો છે અને તેમા એક સાથે ચાર જેટલા નિર્દોષ લોકોના પ્રાણ ઉડી ગયા છે તો વળી બીજીતરફ પશ્ચિમ કચ્છના દેશલપર રેલવે ફાટક પાસે આજ રોજ છકડો અને ટ્રકની અથડામણ થવા પામતા કરૂણ અકસ્માતમાં છ જેટલા લોકોની જીંદગી પર અકાળે પૂર્ણવિરામ લાગી જવા પામી ગયુ છે. બન્ને અકસ્માતો કરૂણ રીતે બન્યા છે.
આડેસર પાસે થયેલા અકસ્માતમાં ભચાઉથી ભાભર તરફ જઈ રહેલા વાહન આગળના વાહને અચાનક જ બ્રેક મારતા તેના પાછળના ભાગે ઘુસી જવા પામતા તેમા સવાર લોકો પૈકીના ચાર લોકો કાળનો કોળીયો બની ગયા છે તો અન્ય ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે. તો વળી દેશલપર પાસેના અકસ્માતમાં ટ્રક અને છકડા વચ્ચે ગમખ્વાર અથડામણ સર્જાઈ છે.
કચ્છમાં માર્ગો લોહીયાળ બનવાની ઘટનાઓ ઉપરાછાપરી બનવા પામી રહી છે. હજુ તો ભચાઉના શિકરા પાસે પણ ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રેકટરની અથડામણમા દસ લોકોના મોતની કરૂતાંતિકા બનવા પામી હતી તેનો શોક સપૂર્ણ રીતે ઓસર્યો પણ નથી કે હવે એક સાથે બે અકસ્માતોમા સાત જીંદગીઓના મૃત્યુ થવાની ઘટના સમગ્ર કચ્છને ડગાવી દેવા સમાન જ બની રહી છે. માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહની ઉજવણી કરનાર આરટીઓ તંત્ર, મુખ્ય ચાર રસ્તાઓની ચોકડી પર ‘રોકડી’ કરવા જ ઉભા રહી જતા જિલ્લા ટ્રાફીક પોલીસ, આવેરલોડ પેસેન્જરોને ઠાંસીઠાંસીને ભરીને લઈ જવા, માલવાહક વાહનોમા પેસેન્જરોને બેફામ હેરફેર, કચ્છ કલેકટરના વિવિધ જાહેરનામાઓનો ખુલ્લેઆમ ભંગ હજુય કચ્છમાં કેટકેટલા નિર્દોષ લોકોની લેશે જીંદગી ?તેવો સવાલ પણ આ તબક્કે પણ ઉભો થવા પામી રહ્યો છે.