રવાપર પીએચસી ખાતે પુરતો સ્ટાફ અને માતાનામઢ પદયાત્રી માટે ર૪ કલાક એમ્બ્યુલન્સની ફાળવણી કરવા માંગ

રવાપર : તાજેતરમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મંજૂર થયેલ રવાપર પીએચસી સેન્ટર ખાતે પુરતા પ્રમાણમાં સ્ટાફની ફાળવણી હાથ ધરવા અને માતાનામઢ જતા પદયાત્રી માટે ર૪ કલાક ખૂલ્લું રહે તેવી વ્યવસ્થા અને એમ્બ્યુલન્સ સાથે પુરતા પ્રમાણમાં દવાની વ્યવસ્થા કરવા જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ તા.પં. વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ રૂપારેલે માંગણી કરી છે. શ્રી રૂપારેલના જણાવ્યા અનુસાર હાઈવેના મુખ્ય સેન્ટર સમા આ પીએચસી કેન્દ્ર માતાનામઢ જતા પદયાત્રી માટે આશીર્વાદરૂપ બની રહેશે, પરંતુ હાલ પુરતા સ્ટાફના અભાવે વ્યાપક મુશ્કેલી ભોગવવી પડે છે ત્યારે સરકાર દ્વારા નવરાત્રિ મહોત્સવના મેળાના ભાગરૂપે હંગામી ધોરણે ર૪ કલાક સ્ટાફ, એમ્બ્યુલન્સ અને દવાની વ્યવસ્થા હાથ ધરાય તો માનવતાના ભાગ રૂપે આશીર્વાદરૂપ બની રહેશે. તંત્ર આ દિશામાં વહેલી તકે પગલાં ભરે તેવી ભારપૂર્વક રજૂઆત સહિત યાત્રિકોને આ વ્યવસ્થાથી પ્રાથમિક સારવાર અને પાણીજન્ય રોગોથી છૂટકારો મેળવવામાં વ્યાપક મદદરૂપ સાબિત થશે તેવી નિશ્ચિત આશા દર્શાવી તંત્ર આ દિશામાં વહેલી તકે વ્યવસ્થા હાથ ધરે તેવી માંગણી કરી હતી.