રવાપરમાં શાળાની જગ્યાએ પીએચસીનું કામ શરૂ થતા કોર્ટના દરવાજા ખખડાવાયા

રવાપર : નખત્રાણા તાલુકાના આ ગામે પ્રાથમિક શાળાની જગ્યાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું બાંધકામ શરૂ કરાતા અદાલતના દરવાજા ખટખટાવાયા છે.
માજી સરપંચ ઈસ્માઈલ ઈબ્રાહિમ પીંજારાએ નખત્રાણાની સિનિયર સિવિલ જજની કોર્ટમાં મનાઈ હુકમ માટે જોહર હિતનો દાવો દાખલ કરતા ન્યાયાધીશે સંબંધિત તમામને ર૦ જુલાઈના કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યા છે. માજી સરપંચના જણાવ્યા અનુસાર જિલ્લા શિક્ષણ સમિતિએ ૭ જૂનની બેઠકમાં નિશાળની જગ્યાએ પીએચસીના બાંધકામ માટે પરવાનગી ન આપવાનું ઠરાવ્યું હતું તેમ છતાં રવાપરના સરપંચ, તલાટી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું બાંધકામ શરૂ કર્યું છે. વાસ્તવમાં આ જગ્યા શિક્ષણ માટે અનામત છે.