રત્નાપર ગામે શિક્ષણ સહિતના વિવિધ વિકાસકામોનું કરાયું લોકાર્પણ અને ખાતમુહર્ત

ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના રાજકીય મહાનુભાવો- અધિકારીઓ, દાતા પરિવારોએ આપી હાજરી

 

માંડવી : તાલુકાના બાગાયતી ખેતી ક્ષેત્રે સમૃદ્ધ અને અનેેક એવોર્ડ વિજેતા રત્નાપર ગામે માંડવી મુંદરાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહર્ત પ્રસંગે યોજાયેલા સમારોહમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ અતિથિ વિશેષ પદે હાજરી આપી, ભાજપ દ્વારા થયેલા વિકાસકામોને વર્ણવ્યા હતા. કાર્યક્રમમાં વાસ્મો દ્વારા લોકભાગીદારીથી વોટર ફિલ્ટર પ્લાન્ટ, ૩૪ લાખના ખર્ચે બનેલી પાણીની ઉંચી ટાંકી, એમઆરએએસએ અંતર્ગત ૧.૦૯ કરોડના ખર્ચે બનેલી ગ્રાન્ટેબલ સરકારી માધ્યમિક શાળાનું દાતા પરિવારો, મહાનુભવોના હસ્તે લોકાર્પણ કરાયું હતું. માધ્યમિક શાળા ભૂમિના દાતા દેવિકાબેન રતનશી રામજી ચોપડા પરિવાર રહ્યો હતો, જેઓનું મહાનુભવો તેમજ પાટીદાર સમાજના પ્રમુખ અરજણભાઈ નાકરાણી, મંત્રી મગનભાઈ રામજીયાણી, શાંતિલાલ ભીમાણી, તુલસીભાઈ ભીમાણી, મુંબઈ સમાજના પ્રમુખ વિશ્રામભાઈ રામાણી, શામજીભાઈ નાકરાણી, રતનશીભાઈ નાકરાણી, ખીમજીભાઈ માવાણીએ શાલ અને સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે ૧૪માં નાણાપંચમાંથી બે લાખના ખર્ચે ગૌસંવર્ધન રોડનું ખાતમુહર્ત, સ્વચ્છતા અભિયાન અંતર્ગત દાતા મણિબેન શીવજી ભીમાણી, રેખાબેન લાલજી ભીમાણી દ્વારા દાઢ સો ડસ્ટબીનનું વિતરણ કરાયું હતું, જેઓનું પણ સન્માન કરાયું હતું. ગામના વિકાસના સહભાગી મહેન્દ્રભાઈ શાંતિલાલ રામાણીનું યુવક મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ નાકરણી દ્વારા, સરપંચ તરૂણાબેન રામાણીનું ધારાસભ્ય દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
આ પ્રસંગે જિ.પં. ઉપપ્રમુખ નિયતીબેન પોકાર, તા. ભાજપ પ્રમુખ ચંદુભાઈ વાડીયા, તા.પં.પ્રમુખ ગંગાબેન સેંઘાણી, જિલ્લા કિશાન મોરચાના પ્રમુખ મહેન્દ્રભાઈ ગઢવી, જિ.પં. બેઠકના સદસ્ય નરેશભાઈ મહેશ્વરી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી સહિતાનાઓ એ પ્રાસંગિક ઉદ્‌બોધન કરી ગામના વિકાસમાં સહયોગી દાતા પરિવારની દિલેરીને બિરદાવી હતી. તા.ભાજપ મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા શિક્ષણધિકારી રાકેશભાઈ વ્યાસ, જિ.ભા. કોશાધ્યાક્ષ રેખાબેન દવે, માંડવી તાલુકા પં. ઉપપ્રમુખ રાણશીભાઈ ગઢવી, ગુજરાત એગ્રે નિગમના ડાયરેકટર બટુકસિંહ જાડેજા, ડીએલઆરના શ્રી પટેલ તેમજ ચૌહાણ, જિ.પં. શિક્ષણ સમિતિ પૂર્વ ચેરમેન કેશુભાઈ પારસિયા સહિતના રાજકીય મહાનુભવો, અધિકારીઓએ હાજરી આપી હતી. માધ્યમિક શાળાના આચાર્ય દિનેશભાઈ મહેશ્વરી આવકાર પ્રવચન કર્યુ હતું. પૂર્વાચાર્ય મોહનભાઈ ગઢવી, ભુતપૂર્વ શિક્ષક દિક્ષીત મોતા દહિસરા, આચાર્ય કમલેશ પટેલ, પ્રા. શાળા આચાર્ય પંકજ વાળંદ સહિતના શિક્ષક સ્ટાફ, પંચાયત પરિવાર જહેમત ઉઠાવી હતી. સંચાલન મહેન્દ્રભાઈ શાંતિલાલ રામાણીએ આભારવિધિ મગનભાઈ રામજીયાણીએ કરી હતી.