રણકાંધીએ હાજીપીરના મેળા માટે તૈયારીઓ શરૂ : પદયાત્રીઓનો અવિરત પ્રવાહ

ઠેર- ઠેર સેવા કેમ્પો ખુલ્લા મુકાયા : ધોમધખતા તાપમાં કોમી એક્તા છલકી ઉઠી : આરોગ્ય, પાણી, શૌચાલય સહિતની પાયાની સુવિધાઓ ઉભી કરાઈ

 

દરગાહની દક્ષિણે રોડની પાસે જ જમીન આપવા તૈયાર છીએ : સરપંચ
ભુજ : એસ.ટી.ને થતી સમસ્યા મુદ્દે હાજીપીરના સરપંચ સૈયા ઉમર જત સાથે વાત કરતા તેમણે કહ્યું હતુ કે, મકાનો બની તો ગયા છે. પણ અમે એસ.ટી. તંત્રને દરગાહની દક્ષિણ દિશાએ જગ્યા આપવા તૈયાર છીએ. એસ.ટી. તંત્રને અમારો પુરો સહયોગ જ છે. તો હાજીપીર દરગાહના મુજાવર લતિફભાઈએ ઉમેર્યું હતુ કે, એસ.ટી. દ્વારા દર વર્ષે જગ્યા બદલવામાં આવે છે. તેઓ એક નિશ્ચિત જગ્યા નક્કી કરે તો આયોજન યોગ્ય રીતે થઈ શકે. એસ.ટી. તંત્ર હાજીપીરના મેળા વખતે જ અમારી પાસે આવે છે. આમ આખા વર્ષ દરમિયાન માત્ર ૧ જ બસ ચાલે છે. ત્યારે બસો શરૂ કરવાની અમારી માંગ પણ તંત્ર સ્વીકારે તેવું લતીફભાઈએ ઉમેર્યું હતું.

 

 

હાજીપીરમાં એસ.ટી. માટે ફાળવાતી જગ્યા પર દબાણ કરી બનાવાયા મકાન
મેળા માટે એસ.ટી. દ્વારા બસોની વ્યવસ્થા ગોઠવવામાં હાલાકી : ચાલુ વર્ષે ત્રિદિવસીય મેળા માટે ફાળવાશે ૮પ બસોની વ્યવસ્થા
ભુજ : આગામી ૧૭થી ૧૯ માર્ચ દરમિયાન ત્રણ દિવસ માટે હાજીપીરના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ એસ.ટી. વિભાગ દ્વારા મેળા માટે ૮પ બસોની ફાળવણી કરાઈ છે, પરંતુ એસ.ટી.ને હાજીપીરમાં સ્ટેન્ડ માટે જે જગ્યા ફાળવાતી ત્યાં ગેરકાયદેસર દબાણ કરીને મકાનો બનાવી દેવાયા છે. જેથી મુશ્કેલી સર્જાઈ છે.
કચ્છના આસ્થાના કેન્દ્ર સમા માતાનામઢ અને હાજીપીરના મેળા વખતે એસ.ટી. દ્વારા બસની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. ત્યારે આગામી ૧૭થી ૧૯ માર્ચ સુધી હાજીપીર બાબાના ઉર્ષ નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસ.ટી. નિગમ દ્વારા પપ સ્થાનિક બસો અને ૩૦ બહારના જિલ્લામાંથી મંગાવેલી બસો ફાળવવામાં આવી છે. અને કુલ ૮પ બસો હાજીપીરથી નખત્રાણા અને ભુજના રૂટ પર દોડાવવામાં આવશે તેવું એસ.ટી. નિયામક બી.એન. ચારોલાએ જણાવ્યું હતું.
જો કે, આ વખતે એસ.ટી.ના સંચાલનમાં મુશ્કેલી સર્જાઈ છે. કેમ કે એસ.ટી. તંત્રને હાજીપીરમાં ફાળવાતી જગ્યા પર દબાણ કરીને ત્રણથી ચાર મકાનો બાંધી દેવાયા હોવાનું નખત્રાણા ડેપો મેનેજર શ્રીસામળાએ જણાવ્યું હતું. એસ.ટી.ને ફાળવાતી જગ્યામાં દબાણ થઈ જવાને કારણે એસ.ટી. તંત્રને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. આ અંગે એસ.ટી. વિભાગ દ્વારા સરપંચ અને દરગાહ સમિતિને જાણ પણ કરાઈ હતી. જો કે, તંત્રને હકારાત્મક પ્રત્યુતર ન મળતો હોવાનું નખત્રાણાના ડેપો મેનેજરે ઉમેર્યું હતું. આ અંગે એસ.ટી. નિયામક બી.એન. ચારોલા સાથે ચર્ચા કરતા તેમણે કહ્યું હતુ કે, ગત વર્ષે પણ દબાણ કરીને એક મકાન બાંધી દેવાયું હતું. જેમાં આ વર્ષે વધુ ર- ૩ મકાનો બનાવી દવાય છે. અને એસ.ટી.ને સ્થાનિક કમિટી અને પંચાયત દ્વારા સહકાર મળતો નથી. અને સરપંચ સહિતના હોદ્દેદારો જણાવે છે કે, આપને એસ.ટી.ની સુવિધા ગોઠવવી હોય તો ગોઠવો નહીંતર કાંઈ નહીં. આવા સંજોગોમાં એસ.ટી. તંત્ર પણ મુંજવણમાં મુકાયું છે. છતાં પણ આગામી ૧૭થી ૧૯મી તારીખ સુધી એસ.ટી.ની ૮પ બસો હાજીપીરના મેળા માટે દોડાવવામાં આવશે.

 

 

 

ભુજ : ગાયો માટે શહાદત વહોરનારા અને હિન્દુ- મુસ્લિમ એકતાના પ્રતિક સમા હાજીપીર બાબાના ત્રણ દિવસીય મેળાનો શનિવારે આરંભ થવાનો છે. તે પૂર્વે એકતરફ કચ્છ અને જિલ્લા બહારથી પદયાત્રી શ્રદ્ધાળુઓનો પ્રવાહ વહી રહ્યો છે. બીજીબાજુ વહીવટીતંત્ર તથા હાજીપીર બુરકુલ મેળા સમિતિ દ્વારા મેળો દર વર્ષની જેમ રંગેચંગે સંપન્ન થાય એ માટેનું આયોજન હાથ ધરાયું છે.
સોદ્રાણાના શહેનશાહ લેખાતા હાજીપીર વલીની દરગાહે માથુ ટેકવવા ધોમધખતા તાપમાં પણ વિવિધ રોમના પદયાત્રીઓ રણકાંધી ભણી પગપાળા જઈ રહ્યા હોવાથી ભુજ સહિત જિલ્લાના વિવિધ માર્ગો ધબકી ઉઠયા છે. ત્યારે આ પગયાત્રીઓની સેવા માટે સેવા કેમ્પો પણ ખુલી રહ્યા છે.
હાજીપીર ખાતે ચાલતી તૈયારીઓ અંગે વાત કરીએ તો દરગાહના મુજાવર લતીફભાઈએ ઉમેર્યું હતુ કે, લુણા જૂથ ગ્રામ પંચાયત અને હાજીપીર દરગાહ સમિતિ દ્વારા ૪૦ જેટલા શૌચાલયો બનાવાયા છે. આ ઉપરાંત સ્થાનિક તળાવમાં નાહવા ધોવા માટે પણ લોકો જાય છે. ત્યાં પણ વ્યવસ્થા કરાઈ છે. પાણીની વ્યવસ્થા પાણી પુરવઠા વિભાગ દ્વારા કરાઈ છે. જેના સ્થાનિક બોર અને વધારાના ૩ ટેન્કર દ્વારા વ્યવસ્થા ઉભી કરાઈ છે. આરોગ્ય માટે પણ તંત્રની ટીમ સાથે આયોજન થયું છે. જેમાં એક સ્ટોલ દરગાહ પાસે અને બીજો સ્ટોલ હાજીપીર પ્રાથમિક શાળામાં ખોલવામાં આવશે. તો દરગાહની આસપાસ સાફ સફાઈનું કામ આરંભી દેવાયું છે. તેમાં ત્રિ-દિવસીય મેળા માટે રપ૦ જેટલા સ્ટોલ ખડા કરવામાં આવશે. જેમાં જુદા- જુદા ધંધાર્થીઓને ફાળવાણી કરાઈ છે. અને સ્ટોલ બાંધવાની વ્યવસ્થા પણ કરી દેવાઈ છે. વીજતંત્ર દ્વારા પણ તેમનું કામ કરી દેવાયું છે. અને મેળા દરમિયાન તંત્રની ટીમ તૈનાત રહેશે તેવું તેમણે ઉમેર્યું હતું.
પાલારા પાસે સર્વ સેવા કેમ્પ ખુલ્લો મુકાયો : પાલારાના બસ સ્ટેશન સામે પાલારા જેલ સ્ટાફ તથા કેદી ભાઈ- બહેનો દ્વારા પદયાત્રીકો ખાસ સેવા કેમ્પ ઉભો કરાયો છે. જયાં ચા, નાસ્તો, જમવાનું, મેડિકલ, આરામની વ્યવસ્થાઓ માટે કરવામાં આવી છે. પદયાત્રીકોની ભારે ભીડ વચ્ચે કેમ્પનું ઉદ્દઘાટન દીપ પ્રગટાવીને સામાજિક- રાજકીય અગ્રણી આદમભાઈ ચાકીએ કર્યું હતુ. જેલ સુપ્રિ. કે.વી. ગઢવી, નગરસેવક માલશી માતંગ, ઝિંકડી સરપંચ વાલાભાઈ આહીર, માનવજ્યોતના પ્રબોધ મુનવર, માવજીભાઈ ગુંસાઈ, વસંતભાઈ અજાણી, રહીમાબેન સમા, નયન ડુડીયા, ડૉ. બુચ, અલીખાન પઠાણે અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. પ્રબોધ મુનવરે કચ્છની કોમી એકતા અને ભાઈચારાની ભાવનાઓને બિરદાવી, હાજીપીર જતા પદયાત્રીકોને શુભેચ્છાઓ પાઠવી હતી. કેમ્પ ઉદ્‌ઘાટા આદમભાઈ ચાકીએ હાજીપીરબાબાના કાર્યોની સુવાસનો ઈતિહાસ સમજાવ્યો હતો. જેલ અધિક્ષક કે.વી. ગઢવીએ કેમ્પના આયોજન માટે દાતાઓ, સામાજિક કાર્યકરો તથા એનજીઓ અને સ્ટાફ, કેદીઓ વિગેરેની અંતરની ભાવનાઓને બિરદાવી હતી. સંચાલન જગમલભાઈએ જયારે આભારવિધિ કે.વી. ગઢવીએ કરી હતી. વ્યવસ્થામાં જેલ સ્ટાફના ઈન્દ્રજીતસિંહ રાઠોડ, પ્રધ્યુમનસિંહ જાડેજા, રાયમલભાઈ, હમીદ સમા, કાર્યકરોએ સેવા આપી રહ્યા છે. પદયાત્રીકો કેમ્પનો વિશાળ સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.
કચ્છ મશાલ સેવા ટ્રસ્ટ : હાજીપીર જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું ઉદ્દઘાટન સૈયદ ગુલામશા બાવાએ કર્યું હતું. કેમ્પના મુખ્ય દાતા અબ્દુલભાઈ બજાણીયા, મહેમાનોમાં ફારૂકભાઈ ખત્રી (ઢોરીવાળા), નૂરબાઈ સમા હાજર રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ અલીમામદ હસન સમા, આયોજકો કાસમ નોડે, ઝહીર સમેજા, સદામ રહીમ શેખ, દાઉદભાઈ ચાકી, કાસમ નોડે વિગેરે દ્વારા પદયાત્રીઓ માટે જમવાનું ચા, નાસ્તો, મેડિકલ અને આરામની સુવિધા પુરી પાડવામાં આવેલ હતી. તેવું કચ્છ મશાલ ટ્રસ્ટના પ્રમુખ અલીમામદ હસન સમાએ જણાવ્યું હતું.
હાજીપીર ભાઈ ભાઈ સેવા સમિતિ : રૂદ્રાણી ડેમ પાસે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેનું ઉદ્દઘાટન સમિતિના ઉપપ્રમુખ અબ્દુલ ઉમર આગરીયા (મથડા) દ્વારા રીબીન કાપી કરવામાં આવ્યું હતું. કાસમ જાકબ આગરિયા (ખોખરાવાળા) હાજર રહ્યા હતા. હુસેન કાસમ આગરિયા, રઝાક જુસબ આગરિયા, ગુલામ સિધિક નોતિયાર, ઉમર પીર મામદ નોતિયાર દ્વારા હાજીપીર જતા પદયાત્રીઓ માટે સુવિધા પુરસી પાડવામાં આવેલ હતી. પ્રમુખ અલીમામદ હસન સમા હાજર રહ્યા હતા. ભાઈ- ભાઈ સમિતિ દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી હાજીપીર જતા પદયાત્રીના સેવા કેમ્પનું આયોજન સમિતિના હોદ્દેદારોના સ્વખર્ચે કરવામાં આવે છે. જેમાં કોઈનો ફાળો લેવામાં આવતો નથી. તેમ કાસમ આગરિયાએ જણાવ્યું હતું.