યોગ પ્રત્યે લોક વિશ્વાસ વધ્યોઃગરીબ-તવંગરને સમાન ફાયદોઃ રાજયમંત્રી વાસણભાઈ આહિર

ભુજમાં આર.ડી.વરસાણી હાઇસ્કૂલના મેદાનમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાંં સાંસદ વિનોદ ચાવડા, ભુજ ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટસ, પોલીસ કર્મીઓએ કર્યા યોગાસનો

 

ભુજ : યોગ એ એવી જીવન પધ્ધતિ છે, જેનાથી ગરીબ અને તવંગરને સમાન રીતે ફાયદો થાય છે. યોગ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો છે, કુદરતી ઔષધીઓ પ્રત્યે લોકો આકર્ષાયા છે. યોગ દ્વારા શારીરિક-માનસિક કષ્ટો દૂર કરી શક્તિમાન બનીએ તેવી હાકલ રાજયમંત્રી વાસણભાઈ આહિરે કરી હતી.
ભુજ ખાતે આજે ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીનો આર.ડી.વરસાણી કુમાર વિદ્યાલય ખાતે સવારે દીપ પ્રગટાવી ખુલ્લો મૂકી વાસણભાઈ આહિરે વધુમાં જણાવ્યું હતું કે, સૌથી વધુ તાકાત યોગમાં છે. સમગ્ર દુનિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય યોગના ફાયદો પહોંચાડી દેશને ગૌરવવંતો બનાવ્યો છે. યોગ વિશ્વને એક તાંતણે બાંધે છે. પ્રત્યેક ભારત સાથે વિશ્વ ગૌરવ અનુભવે છે. યોગ શીખવવાના માધ્યમથી લાખોને રોજગારી મળી છે, તેનો ઉલ્લેખ કરી કચ્છમાં સુંદર આયોજન કરવા બદલ જિલ્લા કલેકટર સહિત સમગ્ર તંત્રની સરાહના કરી સર્વે લોકોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વતી રાજય સરકારના અભિનંદન પાઠવ્યાં હતા.
આ પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, ભુજ નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, ઉપપ્રમુખ રામભાઈ ગઢવી, જિ.પં. ઉપાધ્યક્ષા નિયતિબેન પોકાર, જિ.પં.પૂર્વાધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરીયા, તા.પં. પૂર્વાધ્યક્ષા કંકુબેન ચાવડા, જિલ્લા કલેકટર રેમ્યા મોહન, પશ્ચિમ વિભાગના પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા, અધિક કલેકટર ડી.આર.પટેલ, ભુજ પ્રાંત અધિકારી રવિન્દ્રસિંહ જાડેજા વગેરે યોગમાં જોડાયા હતા.
પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેવભૂમિ(ઉતરાખંડ) ખાતે કરેલા ઉદ્દબોધનનું જીવંત પ્રસારણ તેમજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સંદેશ દર્શાવાયો હતો.
પાટનગર ભુજમાં આજે યોગ દિવસની ઉજવણી માટે લોક ઉત્સાહ સર્જાયો હતો. યોગગુરૂઓ, વિદ્યાર્થીઓ, કર્મયોગીઓ, પોલીસ, એસ.આર.પી.ના જવાનો, એન.સી.સી. કેડેટસ મોટી સંખ્યામાં જોડાયા હતા. આર.ડી. વરસાણી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પૂર્ણ યોગનું નિદર્શન પ્રસ્તુત કરાયું હતું. વિવિધ સંસ્થાઓ પણ વિશ્વ યોગ દિવસનો મજબૂત હિસ્સો બની હતી. માસ્ટર ટ્રેઇનર અદ્વૈત ધોળકિયા, આનંદ શર્મા વગેરેએ યોગદાન આપ્યું હતું.
આ પ્રસંગે રોટરીના મોહનભાઈ શાહ, લેવા પટેલના ગોપાલભાઈ ગોરસીયા, સિવિલ સર્જન ડો. જીજ્ઞાબેન ઉપાધ્યાય, સ્ટેમ્પ ડયુટી ના.કલેકટર સુશ્રી કાથડ, ડીવાયએસપી જે.કે.જેસ્વાલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા રમતગમત અધિકારી રોહિતસિંહ પરમાર, માર્ગ-મકાન કા.ઇ. શ્રી શાહ, સહિત જુદા-જુદા વિભાગોના અધિકારીઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ ઝાલાએ સંભાળ્યું હતું.