યોગ થકી દિવ્ય ગુજરાત બનાવવાની પરિકલ્પના સાકાર કરીએ- મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

યોગને ઘર ઘર સુધી પહોંચાડીએ- રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરછ દવા જેટલું જ યોગનું મહત્વ અને ફેફસાં માટે યોગ મહત્વપૂર્ણ – ડો.નીમાબેન આચાર્ય છ કચ્છમાં ૨૦ યોગ કર્મીઓને પ્રમાણપત્ર એનાયત

૭માં વિશ્વ યોગ દિને આજે કલેકટર કચેરી, ભુજ ખાતેથી રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરની અધ્યક્ષતા હેઠળ જિલ્લાના ૧૦ યોગ કોચ અને ૧૦ યોગ ટ્રેનરને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વી.સી.મારફતે આ તકે જણાવ્યું હતું કે, ગુજરાત રાજય યોગ બોર્ડના માધ્યમથી ગુજરાતને યોગમય કરવાના પ્રયત્નો સરાહનીય છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિશ્વને યોગમય બનાવવાની પહેલ આપણી સંસ્કૃતિનું ગૌરવ છે. રાજયમાં ૧ લાખ યોગ ટ્રેનર્સ દ્વારા ૨૫ હજાર યોગ વર્ગોના વ્યાપથી આપણે સૌ યોગ થકી દિવ્ય ગુજરાત બનાવવાની પરિકલ્પના સાકાર કરીએ”.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે આ તકે જણાવ્યું હતું કે, “ ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ સંયુકત રાષ્ટ્રસંઘના ૧૭૭ સભ્યોએ પ્રધાનમંત્રીશ્રીના ૨૧ જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાના પ્રસ્તાવને ૯૦ દિવસમાં બહુમતીથી પસાર કરાયો હતો. પ્રધાનમંત્રીશ્રીએ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વર્ધાયું છે. ભારતીય ઋષિ પરંપરા અને ઋષિ પંતજલિની યોગ પ્રણાલિથી રાજય સરકાર સમાજને તંદુરસ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે. જે પૈકી આજે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા તૈયાર થયેલા યોગ કોચ અને ટ્રેનરોને પ્રમાણપત્ર આપી સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વને યોગની પ્રેરણા આપી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ યોગ બોર્ડની રચના કરી ગુજરાતને યોગમય બનાવી સ્વસ્થ કરવાના પ્રયત્નો આદર્યા છે ત્યારે આપણે સૌ યોગને ઘર ઘર સુધી પહોંચાડીએ. કોરોનાની વૈશ્વિક મહામારીની સામે સ્વસ્થતા કેળવવા યોગ એ મહત્વપૂર્ણ છે એમ પણ રાજયમંત્રીશ્રીએ આ તકે જણાવ્યું હતું.

દવા જેટલું જ યોગનું મહત્વ છે. ઓકિસજન અને ફેફસાં માટે પણ યોગ અતિ મહત્વપૂર્ણ છે એમ આ તકે ભુજ ધારાસભ્ય અને ડોકટર એવા શ્રી ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, યોગ કોચ અને ટ્રેનરોને પ્રમાણપત્ર આપવાના આ કાર્યથી તેઓને પીઠબળ મળશે અને યોગનો વધુ પ્રચાર પ્રસાર થશે. કોરોના કાળમાં યોગથી મહામારી નાથવામાં મદદ મળશે. ફેફસાંને મજબૂત રાખી ઓકિસજન સરળતાથી મેળવવા યોગ પ્રાણાયામ મહત્વપૂર્ણ છે. તેમણે યોગ ટ્રેનરો અને કોચને આ તકે જણાવ્યું હતું કે, આ બાબતથી તમામને માહિતગાર કરો. પ્રધાનમંત્રીશ્રીની દીર્ધદષ્ટિનાં લાભ તમામ અને ખાસ તો સમગ્ર કચ્છને યોગમય બનાવી અપાવો. ભુજમાં તો યોગનું નોંધનીય અને આવકારદાયક વાતાવરણ છે અને મોટાભાગના સૌ યોગ કરીએ છીએ.

આ તકે ભુજના યોગ કોચ વિજયભાઇ શેઠે જણાવ્યું હતું કે, કચ્છમાં ૧૮ યોગ કોચ છે. ૮૦૦ યોગ ટ્રેનર્સ છે અને ૨૦૦ યોગ કલાસ ચાલુ છે અને ૪ હજાર લોકો યોગનો લાભ લઇ રહયા છે તેમજ ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા અન્ય તાલીમ લઇ રહયા છે. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ યોગ કોચ અને ટ્રેનરોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા રાજયમાં તા.૧૪ થી ૨૧ જુન-૨૦૨૧ સુધી “હવે તો બસ એક જ વાત યોગમય બને ગુજરાત” થીમ પર યોગ સપ્તાહ ઉજવાયું હતો.

આ કાર્યક્રમમાં સર્વશ્રી ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, જનસંપર્ક અધિકારીશ્રી રાહુલ ખાંભરા, નાયબ માહિતી નિયામકશ્રી મિતેષ મોડાસીયા અને સન્માનિત યોગ કર્મીઓ ઉપસ્થિત રહયા હતા.