યોગી આદિત્યનાથને આવકારવા મુન્દ્રા પંથકમાં અનેરા ઉત્સાહનો માહોલ

ગુજરાત ગૌરવ યાત્રાના સમાપન વેળાએ આવતીકાલે મુન્દ્રામાં યોજાશે ભવ્ય કાર્યક્રમ : શાસ્ત્રી મેદાનમાં તૈયારીઓને અપાતો આખરી ઓપ

મુન્દ્રા : ગુજરાત ગૌરવ યાત્રાનું આજે કચ્છમાં આગમન થતા સર્વત્ર અનેરો થનગનાટ જાવા મળી રહ્યો છે. તો આ યાત્રાને આવકારવા ઠેર ઠેર ભવ્ય તૈયારીઓ પણ કરાઈ છે. ત્યારે આવતીકાલે આ યાત્રાનું મુન્દ્રા મધ્યે સમાપન થવાનું હોવાની સાથોસાથ આ સમાપન સમારોહ વેળાએ યોજાનાર જાહેર સભામાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખાસ ઉપસ્થિત રહેવાના હોઈ મુન્દ્રા પંથકમાં અનેરા ઉત્સાહનો માહોલ જાવા મળી રહ્યો છે.
ગુજરાત ગૌરવ યાત્રાના સમાપનના અનુસંધાને આવતીકાલે સાંજે મુન્દ્રાના શાસ્ત્રી મેદાનમાં વિશાળ જાહેર સભા યોજાવાની હોઈ આ જાહેર સભાના અનુસંધાને પાછલા એકાદ સપ્તાહથી મુન્દ્રા શહેર તેમજ તાલુકા ભાજપ પરિવાર દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે અને હવે તેને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે આવતીકાલની સભામાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા યોગી આદિત્યનાથની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, બીસીસીઆઈના પૂર્વ ચેરમેન અને ભાજપ સાંસદ અનુરાગ ઠાકુર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોઈ મુન્દ્રા શહેર ઉપરાત તાલુકામાં આગોતરીજ દિવાળી આવી ગઈ હોય તેવો માહોલ જાવા મળી રહ્યો છે.  આવતીકાલે યોજાનાર જાહેર સભામાં જિલ્લા ભાજપના મોવડીઓની સાથો સાથ શહેર – તાલુકાના હોદ્દેદારો, મુન્દ્રા શહેર – તાલુકા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો સહિત ખુબજ મોટી સંખ્યામાં આમપ્રજા ઉપસ્થિત રહેવાની હોઈ આ જાહેર સભા ઐતિહાસીક બની રહેશે.