યુવતીના અશ્લીલ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરાતા ફરિયાદ

રતનાલના આરોપીએ પ્રેમજાળમાં ફસાવી વીડિયો કોલમાં અશ્લીલ કૃત્ય કરવા મજબુર કરીને પાડેલા સ્ક્રીન શોટસ કર્યા વાયરલ : પધ્ધર પોલીસ મથકે નોંધાયેલા ગુના અંગે હાથ ધરાઈ તપાસ

(ક્રાઈમ પ્રતિનિધિ)ભુજ : અંજાર તાલુકાના રતનાલ ગામના શખ્સે યુવતીના અશ્લીલ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પધ્ધર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આરોપીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે વોટસઅપમાં વીડિયો કોલ કરી અશ્લીલ કૃત્ય કરવા માટે મજબુર કરી તેના સ્ક્રીન શોટસ પાડી લીધા હતા. આ સ્ક્રીન શોટસના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરાતા ગુનો નોંધાયો છે.પ્રાપ્ત વિગતો મુજબ મુળ તાલુકાના ધ્રંગ ગામની અને હાલ ભુજ – રતનાલ હાઈવે ઉપર આવેલી એક હોટલ પર રહેતી યુવતીએ શકદાર તરીકે રતનાલના રાહુલ ભગુભાઈ આહિર વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીએ ત્રણેક વર્ષ અગાઉ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને વોટસઅપથી વીડિયો કોલ કરી અશ્લીલ કૃત્ય કરવા માટે મજબુર કરી હતી અને વીડિયો કોલમાં થયેલી વાતચીત દરમ્યાન ફરિયાદીની જાણ બહાર આરોપીએ તેના સ્ક્રીન શોટસ કેપ્ચર કરી લીધા હતા. આ અશ્લીલ ફોટો વોટસઅપ મારફતે વાયરલ કરીને ગુનો આચરનાર આરોપી વિરૂદ્ધ આઈટી એકટ સહિતની કલમો તળે પધ્ધર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જેને પગલે સર્કલ પીઆઈ એસ. બી. વસાવાએ આગળની તપાસ હાથ ધરી છે.