યુપી પોલીસે અપહરણ કરાયેલા કચ્છ સહિત ગુજરાતના ૩ વેપારીઓ છોડાવ્યા

ખંડણીખોર ગેંગ દ્વારા વેપારીઓનું અપહરણ કરી મંગાઈ હતી રકમ

 

ભુજ : કચ્છ તેમજ ગુજરાતના વ્યાપારીઓનું અપહરણ કરીને લાખો રૂપિયાની ખંડણી વસુલતી આંતર રાજ્ય ગેંગના પ શખ્સોને યુપીની રાજ સમંદ પોલીસે ઝડપી પાડ્યા હતા.
રાજ સમંદના ડીએસપી રાજેન્દ્રસિંહે વિગતો આપતા કહ્યું હતું કે, છેલ્લા લાંબા સમયથી પોલીસ ખંડણીખોરોની તપાસમાં હતી. જેમાં પોલીસને મળેલી બાતમીને આધારે એક મકાનમાં છાપો મારીને પ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ કચ્છ અને ગુજરાતના ૩ વેપારીઓને મુક્ત કરાવાયા હતા. કચ્છના પ્રોપર્ટી ડીલર વિનોદ, વડોદરાના ઈરફાન અને ભાવનગરના સરફરાજ મિસ્ત્રીને પોલીસે આરોપીઓના ચંગુલમાંથી છોડાવ્યા હતા. આ ઘટનામાં પોલીસે ગુજરાત અને ઉત્તરપ્રદેશના આરોપીઓમાં રામજીભાઈ, આરીફ, ભાવેશ, દિલીપભાઈ અને ભાનુપ્રતાપસિંહને ગિરફતાર કર્યા હતા.
ડીએસપી રાજેન્દ્રસિંહના જણાવ્યા પ્રમાણે આ ગેંગે વેપારીઓને કિંમતી હીરા અને જાદુઈ ચશ્મા વેંચવાનો જાંસો આપીને તેમનું અપહરણ કરી ગયા હતા. આ ગેંગમાં ૧૦ જેટલા સદસ્યો છે જેમાં વધુની ગિરફતારી માટેના પ્રયાસો પોલીસે હાથ ધર્યા છે.